દે.બારીઆના જુના રણધિકપુર રોડ ઉપર રેલ્વે ફાટક બંધ રહેતા વિદ્યાર્થીઓ અને રાહદારીઓને હાલાકી

દે.બારીઆ તાલુકાના પીપલોદ ગામે જુના રણધિકપુર રોડ ઉપર જુની રેલ્વે ફાટક પર પગદંડી ફુટ ઓવરબ્રિજ બનાવવા ખાતામુર્હુત કરાયાને ૩ વર્ષનો સમય વિતવા છતાં આજ દિન સુધી કામગીરી શ‚ કરાઈ નથી. જેને લઈને આ ફાટક પરથી પસાર થતાં વિદ્યાર્થીઓ અને અન્ય રાહદારીઓને જીવના જોખમે રેલ્વે ટ્રેક પસાર કરવી પડે છે.

દે.બારીઆ તાલુકાના પીપલોદ ગામે જુના રણધિકપુર રોડ ઉપર આવેલી વર્ષો જુની રેલ્વે ફાટક, સાંકડી ગલીમાં રોજ સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાને પગલે આખરે બંધ કરી કમલ હાઈસ્કુલ પાસે બનાવવામાં આવી છે. પરંતુ રાહદારીઓ અને વિદ્યાર્થીઓની અવર જવર આ જુની ફાટક પર ચાલુ રહેતા, આ જુની ફાટકની જગ્યાએ રેલ્વે વિભાગ દ્વારા લાંબી દિવાલ બનાવી પગદંડી રસ્તો પણ બંધ કરી દેવાયો છે. જે બાદ પીપલોદ અને સાલિયા ગામના સ્થાનિક આગેવાનોએ આ રસ્તો ચાલુ રાખવા માટે રજુઆત કરતા આખરે પાકી દિવાલ વચ્ચે લોખંડની એંગલ ગોઠવી રસ્તો ચાલુ રાખવામાં આવ્યો હતો. પરંતુ આ જગ્યાએ રેલ્વે તંત્ર દ્વારા નવીન ફુટ ઓવરબ્રિજ બનાવવા માટે મંજુરી લઈ લગભગ ત્રણ વર્ષ અગાઉ સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે ખાતામુર્હુત પણ કરાયુ હતુ. જે બાદ પીપલોદ, સાલિયા, તોયણી, ગુણા તેમજ બીજા અન્ય ગામોની જનતાને હવે પગદંડી ઓવરબ્રિજ બની જશે તો કોઈપણ સમસ્યા નહિ રહે તેવી આશા દેખાતી હતી. પણ આખરે એ આશા આજે ઠગારી નીવડી હોય તેવુ જણાય છે. ધણીવાર આ રસ્તે પસાર થતાં કયારેક રેલ્વે ટ્રેક પસાર કરતા સમયે ટ્રેન અચાનક આવી જતાં અકસ્માત થવાની પણ શકયતા રહેલી છે. ભુતકાળમાં આવા બનાવો બનેલ છે. હાલમાં વેકેશન બાદ પુન:શાળાઓ શ‚ થતાં સવારના સમયે તેમજ શાળા છુટવાના સમયે આ નાનકડી ગલીમાં વિદ્યાર્થીઓની ભીડ ઉમટે છે. જેને લઈને વિદ્યાર્થીઓ અને રોજિંદા અહિંથી પસાર થતાં લોકોને મુશ્કેલી પડી રહી છે. તેમજ વિદ્યાર્થીઓ જીવના જોખમે આ રેલ્વે ટ્રેક પસાર કરતા જોવા મળે છે. જેથી આ સ્થળે જો પગદંડી ઓવરબ્રિજ હોય તો આ સમસ્યાનુ નિરાકરણ આવી શકે છે.