દાઉદ્રા ગ્રામ પંચાયતમાં સામાન્ય સભા-ગ્રામસભા ન બોલાવાતા સદસ્યોમાં રોષ, જીલ્લા કચેરી બાદ હવે કોર્ટના દરવાજે ન્યાયની લડાઈ

ઘોઘંબા તાલુકાના દાઉદ્રા ગામમાં ગ્રામ પંચાયતની કામગીરીને લઈને વિવાદ વધુ વકર્યો છે. ગ્રામ પંચાયતની સામાન્ય સભા તેમજ ગ્રામસભા નિયમિત રીતે ન બોલાવવામાં આવતી હોવાના આક્ષેપો સાથે પંચાયતના સદસ્યોએ જીલ્લા કક્ષાએ લેખિત રજૂઆત કરી હતી. જોકે, રજૂઆત બાદ પણ કોઈ સંતોષકારક પરિણામ કે તપાસ ન થતાં હવે અરજદારોએ કોર્ટનો સહારો લેવાનો નિર્ણય કર્યો છે.

અરજદારોના જણાવ્યા મુજબ, જીલ્લા કક્ષાના અધિકારીઓ સમક્ષ લેખિત રજૂઆત કરવા છતાં મામલે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે જીલ્લા કચેરીમાંથી ન્યાય નહીં મળ્યાનો આક્ષેપ કરી પંચાયતના સદસ્યોએ બેઠક યોજી અને સર્વાનુમતે કાનૂની કાર્યવાહી હાથ ધરવાનો નિર્ણય કર્યો હોવાનું જણાવાયું છે.

સદસ્યોના મંતવ્ય વિના પંચાયત કેવી રીતે ચાલે?

દાઉદ્રા ગ્રામ પંચાયતના કેટલાક સદસ્યો અને ગ્રામજનોના આક્ષેપ મુજબ, ચૂંટાયેલા સદસ્યોના મંતવ્યોને પૂરતું મહત્વ આપવામાં આવતું નથી અને સામાન્ય સભા કે ગ્રામસભા ન બોલાવાતા ગ્રામજનોના પ્રશ્નો અને રજૂઆતોને યોગ્ય મંચ મળતો નથી.

આક્ષેપો તો ત્યાં સુધી થઈ રહ્યા છે કે સરપંચ અને તલાટી-કમ-મંત્રીના મેળાપીપણાના કારણે પંચાયતનું વહીવટીતંત્ર એકહથ્થું બની ગયું છે, જેના પરિણામે ગામના વિકાસના કામો અટકી રહ્યા છે અને સરકારી કામોમાં ગેરરીતિ થતી હોવાની લોકબૂમ ઉઠી રહી છે.

વિકાસના કામોમાં ગેરરીતિના આક્ષેપો ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે, પંચાયતની કામગીરીમાં પારદર્શિતા જળવાય અને વિકાસના કામોની યોગ્ય ચર્ચા થાય તે માટે સામાન્ય સભા અને ગ્રામસભા મહત્વપૂર્ણ છે. પરંતુ સભાઓ નહીં મળતી હોવાના આક્ષેપોને કારણે પંચાયતના ચૂંટાયેલા સદસ્યો તેમજ ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

આ સમગ્ર મામલે જીલ્લા વિકાસ અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં તપાસ કે સંતોષકારક જવાબ ન મળ્યાનો અરજદારોનો આક્ષેપ છે. જીલ્લા કચેરી બાદ હવે કોર્ટમાં આરપારની લડાઈજીલ્લા સ્તરે રજૂઆત કર્યા બાદ પણ પ્રશ્નનું નિરાકરણ ન આવતા હવે અરજદાર પંચાયત સદસ્યો કોર્ટમાં જવાની તૈયારીમાં છે. અરજદારોનું કહેવું છે કે જ્યારે વહીવટી તંત્રના દરવાજે ન્યાય ન મળે ત્યારે કાયદાકીય માર્ગ અપનાવવો જ અંતિમ વિકલ્પ બચે છે.

હવે દાઉદ્રા ગ્રામ પંચાયતના આક્ષેપો અંગે કોર્ટમાં શું કાર્યવાહી થાય છે અને પંચાયતની કામગીરી અંગે કોઈ તપાસના આદેશ થાય છે કે નહીં તેના પર સૌની નજર મંડાઈ છે.