
દિલ્હી-મુંબઈ રેલમાર્ગ પર આવેલા ૫શ્ર્ચિમ રેલ્વેના અતિ મહત્વના દાહોદ રેલ્વે સ્ટેશનનો સંપુર્ણ કાયાપલટ થઈ રહ્યો છે. ભવિષ્યમાં પ્રતિ કલાક ૧૬૦ કિ.મી.ની ઝડપે ટ્રેનો દોડાવવાનો લક્ષ્યાંક સાથે સ્ટેશનમાં ટ્રેક, પોઈન્ટ અને ઓએચઈ ઈલેકટ્રીફિકેશન શિફ્ટિંગની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
રેલ્વે સેફટીના નિયમ મુજબ બે ટ્રેક વચ્ચે ૧.૫ મીટરનુ અંતર જાળવવા નવા ટ્રેક પાથરીને રેલ્વે લાઈનનુ આધુનિકરણ કરાઈ રહ્યુ છે. વડોદરા-રતલામ સેકશનની અપડાઉન લાઈનોને નવા પ્લેટફોર્મ નં.-૪ સાથે જોડવામાં આવી રહી છે. ટુંક સમયમાં શ થનારી ઈન્દોૈર-દાહોદ લાઈન માટે ઈન્દોૈરથી આવતી ટ્રેનો પ્લેટફોર્મ નં.-૧ અને મુંબઈ તરફથી આવી ઈન્દોૈર જતી ટ્રેનો પ્લેટફોર્મ નં.-૪ પરથી સંચાલિત થશે. ભવિષ્યમાં મેમુ, ડેમુ અને ઈન્ટરસિટી પણ પ્લેટફોર્મ નં.-૪ પરથી દોડશે. સ્પેસ સુધારવા અને ટ્રાફિક રોકવા એન્જિન-કોચ માટે અલગ પાર્કિંગ ટ્રેક બનશે. ડેડિકેટેડ ફ્રેડ કોરિડોર(ડીએફસી)હેઠળ ટ્રેક ૬ અને ૭ નવી લાઈન સાથે જોડાતા માલગાડીઓ અલગ ટ્રેક પરથી પસાર થશે. જેથી પેસેન્જર ટ્રેનો વિલંબિત થાય નહિ. ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ ૧૨ મીટર પહોળો લિફટની સુવિધા સાથે ફુટઓવર બ્રિજ અને ૮ મીટરનો નવો બ્રિજ તૈયાર થઈ રહ્યો છે. આ પુર્ણ થતાં ૬ મીટરનો જુનો બ્રિજ તોડી પડાશે. નવો બ્રિજ ગોદીરોડ અને બસ સ્ટેશન સાથે સીધો જોડાશે. જેથી મુસાફરોને બંને બાજુએથી સ્થળ એન્ટ્રી-એક્ઝિટ મળશે. આ ઉપરાંત બી-કેબિન નજીક નવુ જીઆરપી પોલીસ સ્ટેશન બનશે. અને આરપીએફ ડોગ સ્કવોર્ડ વાળી જગ્યાએ રેલ્વે કર્મચારીઓ માટે આધુનિક રનિંગ મ-આરામગૃહ તેયાર કરાશે.