ઝાલોદના વ્યક્તિની ફાયનાન્સ કંપનીમાંથી લોન અપાવવાના બહાને રૂ.૫.૩૧ લાખની ઠગાઈ કરી

ઝાલોદ તાલુકાના ફુલપુરા ગામના સરપંચ અને આદિવાસી મહાસંઘના પ્રમુખ સાથે લોન અપાવવાના બહાને અંદાજે રૂ.૫.૩૧ લાખની છેતરપિંડી થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. રૂ.૫૦ લાખ જેવી મોટી રકમની લોન મંજુર કરાવવાની લાલચ આપીને ઠગ ટોળકીએ રોકડા અને ઓનલાઈન માધ્યમથી નાણાં પડાવી લીધા બાદ ઓફિસને તાળુ મારીને રફુચકકર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ફુલપુરાના સરપંચ હવસીંગભાઈ કાળિયાભાઈ ભુરીયાની મુલાકાત ઝાલોદના મુવાડા વિસ્તારમાં આવેલી એક ખાનગી ફાનાન્સ કંપનીની ઓફિસમાં મનીશભાઈ પરમાર, દિનેશભાઈ નિનામા અને ચદ્રકાંતભાઈ બામણીયા સાથે થઈ હતી. આ શખ્સોએ ગોધરાના મેનેજર રવિરાજ મેહુલીયા સાથે ઓળખાણનો દુરૂપયોગ કરી હવસીંગભાઈને રૂ.૫૦ લાખની લોન સહેલાઈથી મંજુર કરાવી આપવાની ખાતરી આપી હતી. વિશ્ર્વાસમાં આવી ગયેલા સરપંચ અને તેમન પરિવાર પાસેથી લોનની ફાઈલ પ્રોસેસિંગ અને જીએસટી ચાર્જના નામે અલગ અલગ તબકકે નાણાં ખંખેરવામાં આવ્યા હતા. ઠળ ટોળકીએ રૂ.૩.૫૦ લાખ રોકડા લીધા હતા. જયારે હવસીંગભાઈના પુત્ર મુકેશભાઈના બેંક ખાતામાંથી ફોન-પે મારફતે વધુ રૂ.૧.૮૧ લાખ ટ્રાન્સ્ફર કરાવી લીધા હતા. આમ કુલ રૂ.૫.૩૧ લાખ પડાવ્યા બાદ ચારેય મહિનાઓ વિતી જવા છતાં ન તો લોન અપાવી ન તો નાણાં પરત કર્યા. જયારે પીડિતે પોતાની રકમની માંગણી કરી ત્યારે આરોપીઓએ ઉલ્ટાનુ ધમકીઓ આપવાનુ શરૂ કરી દીધુ હતુ. અંતે ઓફિસને કાયમ માટે તાળુ મારીને ગાયબ થઈ ગયા હતા. આ મામલે હવસીંગભાઈએ ઝાલોદ પોલીસ મથકમાં ચારેય આરોપીઓ સામે સત્તાવાર ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.