છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ધંટોલી ગામથી કલેરીયા અને નસવાડી તરફ જોડતા રસ્તાની હાલત અત્યંત બિસ્માર બની છે.
છેલ્લા ૧૫ વર્ષથી રસ્તો નવો બનાવ્યો ન હોવાના કારણે ડામર ઉખડી જતાં રસ્તા પર નાંખવામાં આવેલી કપચી બહાર આવી ગઈ છે. રસ્તા પર ઠેર ઠેર મોટા ખાડાઓ પડી જતાં વાહનચાલકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. તેમ છતાં પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ દ્વારા રસ્તાનુ સમારકામ કરવામાં આવ્યુ નથી. ધંટોલી ગામથી કલેરીયા અને નસવાડી તરફ જવાનો રસ્તો સ્થાનિકો, ખેડુતો અને વાહનચાલકો માટે મહત્વનો છે. પરંતુ રસ્તાની બિસ્માર હાલતના કારણે અવર જવરમાં મુશ્કેલી ઉભી થઈ છે.સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ રસ્તા પર પડેલા ખાડાઓનુ સમારકામ કરાવવા માટે સરપંચ અને તલાટીને વારંવાર રજુઆતો કરી છે. સંબંધિત અધિકારીઓને ફોન કરી રસ્તાની ખરાબ સ્થિતિની જાણ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.