દાહોદ ઝરીબુઝર્ગના મહિલા સરપંચ નર્મદાબેન માવી હોદ્દા પરથી દૂર, વિકાસ કામોમાં ગેરરીતિ બદલ DDOની મોટી કાર્યવાહી

દાહોદના ઝરીબુઝર્ગ ગામમાં મહિલા સરપંચ સામે જિલ્લા વિકાસ અધિકારીએ મોટી કાર્યવાહી કરી છે. પાંચ વિકાસ કામોમાં ગેરરીતિ સામેની તપાસ બાદ સરપંચ નર્મદાબેન માવીને હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કરાયો છે. તપાસમાં કામો સ્થળ પર થયા ન હોવા છતાં લાખો રૂપિયાનું ચુકવણું થયાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે શું બહાર આવ્યું અને સરપંચ સામે કેમ લેવાઈ કાર્યવાહી, જોઈએ આ અહેવાલમાં.

ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામના મહિલા સરપંચ નર્મદાબેન કમલેશભાઈ માવી સામે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ગ્રામજનોની રજૂઆતના આધારે ગ્રામ પંચાયતના વિકાસ કામોની તપાસ હાથ ધરવામાં આવી હતી. નાયબ જિલ્લા વિકાસ અધિકારી સહિતની તપાસ ટીમે પાં
ચ કામોની સ્થળ તપાસ કરી હતી. તપાસ દરમિયાન રામદેવ મંદિરની કમ્પાઉન્ડ વોલ, ગણાવા ફળિયાનો સીસી રોડ અને દિનેશભાઈ નળવાયાના નામે બોર વિથ મોટરનું કામ સ્થળ પર થયું ન હોવાનું સામે આવ્યું હતું. ભુરીયા કુવામાં સામૂહિક કૂવાનું કામ પણ તપાસ ટીમને સ્થળ પર મળી આવ્યું ન હતું. પરમાર ફળિયામાં સીસી રોડનું કામ પણ દર્શાવેલી જગ્યાએ થયું ન હોવાનું તપાસમાં નોંધાયું હતું. તપાસ અહેવાલ મુજબ આ પાંચેય કામો માટે અલગ-અલગ તબક્કે લાખો રૂપિયાનું ચુકવણું કરવામાં આવ્યું હતું. સરપંચને પોતાનો બચાવ રજૂ કરવા માટે વારંવાર સુનાવણીની તક આપવામાં આવી હતી. સરપંચ દ્વારા અગાઉ રજૂ કરાયેલા જવાબમાં કામો અન્ય સ્થળે થયાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે તપાસ અહેવાલ અને સ્થળ સ્થિતિને આધારે જિલ્લા વિકાસ અધિકારીએ ગેરરીતિ હોવાનું માની કાર્યવાહી કરી છે. ગુજરાત પંચાયત અધિનિયમની કલમ ૫૭(૧) હેઠળ નર્મદાબેન માવીને સરપંચ પદેથી દૂર કરવાનો હુકમ કરાયો છે અને ગ્રામ પંચાયતનો ચાર્જ ઉપસરપંચને સોંપવા આદેશ આપવામાં આવ્યો છે.