દાહોદ એપીએમસીના મુખિયાઓની ચુંટણી જુથવાદને લઈ ઘોંચમાં પડવાની સંભાવના

દાહોદ અનાજ માર્કેટના ચેરમેન, વાઈસ ચેરમેનની ચુંટણી જે તે વખતે મુલતવી રાખવી પડી હતી. તેને સવા મહિના કરતા પણ વધુનો સમય થયો હોવા છતાં નવી તારીખ આવી નથી. ત્યારે આ ચુંટણી હજુ પણ ઘોંચમાં પડે તેવા એંધાણ વર્તાઈ રહ્યા હોવાથી સહકારી આલમમાં બેચેની વધી રહી હોવાનુ લાગી રહ્યુ છે.

દાહોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સભ્યોની ચુંટણી ૧૦ ઓકટો-૨૦૨૫ ના રોજ યોજાઈ હતી. જયારે ૧૮ ઓકટોબરના રોજ મત ગણતરી થઈ હતી. જેમાં ગરબાડાના ભાજપના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરનો પરાજય થતાં અપસેટ સર્જાયો હતો. આ ચુંટણી પણ મુદ્દત પુર્ણ થયા બાદ એક વર્ષે ચુંટણી યોજાઈ હતી. આ ચુંટણીમાં ભાજપ પ્રેરિત પેનલના ખેડુત વિભાગમાં ૮, કોંગ્રેસના ૨ સભ્યો વિજેતા થયા હતા. જયારે વેપારી પેનલમાં ભાજપના ૩ અને અને એક ભાજપાનો બળવાખોર સભ્ય વિજેતા થયો હતો. જોકે ભાજપાની જ બહુમતી હતી તેમ છતાં ચેરમેન-વાઈસ ચેરમેનની ચુંટણી સામાન્ય ચુંટણીના મહિનાઓ વિતી ગયા પછી તા.૪ જુલાઈ-૨૦૨૬ ના રોજ આવી હતી. પરંતુ ભાજપના મેન્ડેટમાં નવા જ નામ આવતા ચુંટાયેલા સભ્યોએ ભારે વિરોધ કરતા છેવટે ચુંટણી મુલતવી રાખવી પડી હતી. જોકે ભાજપા તરફી બહુમતી સભ્યો એક તરફી હોવા છતાં કોઈએ ઉમેદવારી નહિ કરી નેતાઓ અને પક્ષની શાખ સચવાઈ ગઈ હતી. આ ગંભીર ધટનાક્રમ બાદ હજુ દાહોદ માર્કેટના મુખિયાઓની ચુંટણીનુ મુર્હુત ન નીકળતા હવે વિસ્ફોટ થવાની સંભાવનાઓ વ્યકત કરવામાં આવી રહી છે. જોકે વિશ્ર્વસનીય સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ચુંટણી હજુય લંબાશે તેમ જાણવા મળ્યુ છે. કારણ કે, જે ચુંટણી અધિકારી આ ચુંટણી કરવાના છે તેઓ પાસે અન્ય વધારાના હવાલા પણ છે. બીજી ત્રણ એપીએમસીના સભ્યોની સામાન્ય ચુંટણીઓ કરાવવાની જવાબદારી તેમના શીરે છે. તેમાંયે એક એપીએમસી એક મોટા કદના સહકારી નેતાના માદરે વતનની છે. આ ત્રણેય સામાન્ય ચુંટણીઓ પુર્ણ થાય પછી જ દાહોદ માર્કેટના મુખિયાઓની ચુંટણી પરથી ગ્રહણ હટશે. અને ત્યારબાદ જ ચુંટણી જાહેર થશે તેમ કહેવાય છે.