
બંને મેડિકલ ઓફિસર ડો. કૃણાલ ભરવાડ અને ડો.મૌલિક પટેલને શો-કોઝ નોટિસ ફટકારી ખુલાસો મંગાયો : આરોગ્ય વિભાગમાં ચકચાર
મહિસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના આરોગ્ય કેન્દ્રોમાં ચાલતી લાલીયાવાડીનો નમૂનો સામે આવ્યો છે. જેમાં ગુંથલી અને વરધરીના આરોગ્ય કેન્દ્રોમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ સરપ્રાઇઝ વિઝિટ કરતા ફરજ પરના મેડિકલ ઓફિસરો ગેરહાજર જોવા મળ્યા હતા. જેના પગલે સીડીએચઓએ કારણદર્શક નોટિસ ફટકારી બંનેનો ખુલાસો માંગ્યો છે. જેના પગલે આરોગ્ય વિભાગમાં ચકચાર મચી ગઇ છે.

મહિસાગર જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા તા.૨૭ને શનિવારે સવારે ૧૦.૫૬ કલાકે બાલાસિનોર તાલુકાના ગુંથલી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. આ સમયે પૂર્વ મંજૂરી વગર કે આગોતરી જાણ કર્યા વગર અહીંના મેડિકલ ઓફિસર ડો. મૌલિક પટેલ ગેરહાજર હતા. જેના પગલે જેના પગલે તેને શો-કોઝ નોટિસ ફટકારી તાલુકા હેલ્થ ઓફિસર મારફત જરૂરી આધાર-પૂરાવા સાથે ખુલાસો રજૂ કરવા તાકીદ કરાઇ છે. આવી રીતે આ દિવસે જ સવારે ૯.૧૮ કલાકે સીડીએચઓએ લુણાવાડા તાલુકાના વરધરી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. અહીં દવાખાનું બંધ હતું અને ૧૮ દર્દીઓ સારવાર માટેની રાહ જોઇને લાઇનમાં ઉભા હતા. સવારે ૯.૩૦ કલાકે વર્ગ-૪ના કર્મચારીએ આવીને દવાખાનુ ખોલ્યું હતું. દર્દીઓને પૂછતા મેડિકલ ઓફિસર સવારે ૧૦ વાગ્યે આવતા હોવાનું જણાવ્યું હતું. અહીના મેડિકલ ઓફિસર ડો. કૃણાલ ભરવાડને કોઠંબાના આરોગ્ય કેન્દ્રમાં પ્રતિનિયુક્તિના ધોરણે આદેશ કરાયો છે. આ બંનેમાંથી કોઇ સ્થળે તે હાજર ન હોય, તેમને પણ કારણદર્શક નોટિસ ફટકારી સીડીએચઓ દ્વારા ખુલાસો પૂછવામાં આવ્યો છે.