બાકોર ગામમાં બેન્કેબલ જનજાગૃતિ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું

મહિસાગર જિલ્લાના લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર દ્વારા ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) લોનનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરવામાં આવી હતી. તેમણે કૃષિ વિકાસ માટે સમયસર અને સરળ ધિરાણનું મહત્વ સમજાવ્યું હતું. કેમ્પ દરમિયાન બેંક દ્વારા ખાસ જનસંપર્ક અને ફરિયાદ નિવારણ સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત લોકોની બેંકિંગ સંબંધિત ફરિયાદો અને પ્રશ્નો ધીરજપૂર્વક સાંભળવામાં આવ્યા હતા તેમજ તેમની ફરિયાદોનું યોગ્ય અને સમયસર સમાધાન કેવી રીતે થઈ શકે તે અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ વિવિધ બેંકિંગ સેવાઓ અંગે પણ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ બેંક ઓફ બરોડા, પી.ડી .સી -બાકોર શાખાના મેનેજરશ્રીઓ  દ્વારા KCC લોનની વિશેષતાઓ, તેના લાભો, અરજી પ્રક્રિયા તથા બેંકની વિવિધ નાણાકીય સેવાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.આ ઉપરાંત, આર.બી.આઈ., બેંક ઓફ બરોડા અને આરોહ ફાઉન્ડેશનના સંયુક્ત પ્રોજેક્ટ હેઠળ કાર્યરત પ્રોજેક્ટમાં કામ કરતા  એ.એફ.સી. શ્રી હસમુખ બામણીયા દ્વારા બેંકમાં ઉપલબ્ધ વિવિધ વીમા યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. સાથે જ આજના ડિજિટલ યુગમાં વધતા ઓનલાઇન નાણાકીય ફ્રોડથી બચવા માટેની સાવચેતીઓ, OTP, PIN, CVV અથવા બેંકની ગુપ્ત માહિતી કોઈને પણ શેર ન કરવી તેમજ શંકાસ્પદ કોલ અને લિંક્સથી સાવચેત રહેવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું..કેમ્પ દરમિયાન ઉપસ્થિત ગ્રામજનોએ વિવિધ પ્રશ્નોના જવાબ મેળવી યોજનાઓ અંગે ઉપયોગી માહિતી મેળવી હતી. આ પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા લોકોને બેંકિંગ સેવાઓનો વધુમાં વધુ લાભ મળે તેમજ સુરક્ષિત ડિજિટલ વ્યવહારો પ્રત્યે જાગૃતિ વધે તેવો આશય વ્યક્ત કરવામાં આવ્યો હતો.લોકો ઓનલાઈન ફોડ થી સાવચેત રહે તે માટે માહિતી પુસ્તિકા પણ આપવામાં આવેલ.