ભાજપને કોંગ્રેસ કે આપ નો ડર નથી, પણ પાર્ટીએ બનાવેલા નિયમો જ પાર્ટીને હરાવશે,મનસુખ વસાવા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માટે ભાજપ દ્વારા બનાવવામાં આવેલા કડક નિયમો સામે હવે પક્ષની અંદરથી જ વિરોધના સૂર ઉઠ્યા છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ નિયમો સામે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું છે કે ૬૦ વર્ષની ઉંમર મર્યાદા અને ૩ ટર્મ જેવા નિયમો પક્ષને જ નુકસાન પહોંચાડી શકે છે.

તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ભાજપને આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનો કોઈ ડર નથી, પરંતુ પક્ષના પોતાના જ જટિલ નિયમો કાર્યકર્તાઓમાં અસંતોષ ઊભો કરી રહ્યા છે. વસાવાએ સવાલ ઉઠાવ્યો હતો કે જો લોકસભા કે વિધાનસભાની ચૂંટણીમાં આવા કોઈ નિયમો નથી, તો માત્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ આ પ્રકારના પ્રતિબંધો કેમ લાદવામાં આવ્યા છે? તેમના મતે, આવા કડક વલણને કારણે પક્ષના પાયાના કાર્યકર્તાઓ નિરાશ થઈ રહ્યા છે.

મનસુખ વસાવાએ સીધું અને સચોટ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ભાજપને આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીનો કોઈ ડર નથી. પરંતુ, પક્ષે જે નવા નિયમો બનાવ્યા છે, તે જ પક્ષને નુકસાન પહોંચાડશે. તેમણે ચેતવણી આપી હતી કે, “સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ જ ભાજપને હરાવશે.

ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મુખ્ય ત્રણ કડક માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ૬૦ વર્ષથી વધુની ઉંમર ધરાવતા કાર્યકરોને ટિકિટ નહીં. જેઓ ૩ ટર્મ સુધી ચૂંટણી લડી ચૂક્યા હોય તેમને તક નહીં. પરિવારવાદને રોકવા માટે કોઈના સગા-સંબંધીને ટિકિટ નહીં. ત્યારે સાંસદ વસાવાએ પક્ષની નીતિઓ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, જો આવા નિયમો લોકસભા કે વિધાનસભાની ચૂંટણીમાં લાગુ કરવામાં આવતા નથી, તો પછી માત્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ કેમ?

મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, જે લોકો ૩ ટર્મથી ચૂંટણી લડે છે, તેમનું પોતાના વિસ્તારમાં જબરદસ્ત પ્રભુત્વ હોય છે. જો આ સિનિયર કાર્યકરોને સાઈડલાઈન કરવામાં આવશે અને તેઓ નિસક્રિય થઈ જશે, તો તેની સીધી અસર પક્ષના પરિણામો પર પડશે. મનસુખ વસાવાના મતે, આ કડક નિયમોને કારણે ગુજરાતભરના સિનિયર અને પાયાના કાર્યકરો ભારે નિરાશ થયા છે. વર્ષોથી પક્ષ માટે લોહી-પરસેવો વહાવનાર કાર્યકરો જો નારાજ થશે, તો ચૂંટણીમાં જીત મેળવવી મુશ્કેલ બની શકે છે.