
મહીસાગર, બાલાસિનોર: મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરતા માત્ર ૧૪ વર્ષીય વિદ્યાર્થીનું રમતના મેદાનમાં જ હૃદયરોગના હુમલા (સાઇલેન્ટ એટેક)થી અકાળે અવસાન થતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, બાલાસિનોર નવોદય વિદ્યાલયમાં ધોરણ-૯માં અભ્યાસ કરતો ઉત્સવ મહેરા નામનો વિદ્યાર્થી શાળાના મેદાનમાં કબડ્ડી રમી રહ્યો હતો. રમત દરમિયાન જ ઉત્સવને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તે મેદાન પર ઢળી પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ શાળાના સ્ટાફ અને અન્ય વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઈ હતી. ઉત્સવને તાત્કાલિક સારવાર અર્થે બાલાસિનોર સામૂહિક આરોગ્ય કેન્દ્ર (દવાખાને) ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, મૃતક ઉત્સવ મહેરા રમતગમત ક્ષેત્રે ખૂબ જ પ્રતિભાશાળી હતો. તે અગાઉ રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ચૂક્યો હતો અને હાલમાં નેશનલ (રાષ્ટ્રીય) કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે સખત મહેનત અને તૈયારી કરી રહ્યો હતો. એક ઉભરતા રમતવીરના આકસ્મિક નિધનથી શાળા પરિવાર અને રમતપ્રેમીઓમાં ઘેરા શોકની લાગણી વ્યાપી છે.
માત્ર ૧૪ વર્ષની કુમળી વયે એક તંદુરસ્ત અને રમતવીર વિદ્યાર્થીનું સાઇલેન્ટ એટેકના કારણે મોત નીપજતાં વાલીઓ અને શિક્ષણ જગતમાં ભારે ચિંતાનો વિષય બન્યો છે. હાલ મૃતક વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ (P.M.) અર્થે બાલાસિનોર સામૂહિક દવાખાના ખાતે રાખવામાં આવ્યો છે, જ્યાં જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે.