અરવલ્લીના ભિલોડામાં ત્રણ ઈંચ વરસાદ, માર્કેટયાર્ડમાં રાખેલું અનાજ પલળ્યું, વેપારીઓને નુકસાન

ભિલોડા પંથકમાં બુધવારે પડેલા ધોધમાર વરસાદે ખેડૂતો અને વેપારીઓને ભારે નુકસાન પહોંચાડ્યું છે. અંદાજે ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસતા ભિલોડા માર્કેટયાર્ડમાં ખુલ્લામાં રાખવામાં આવેલી કૃષિ પેદાશો વરસાદી પાણીમાં પલળી ગઈ હતી.

માર્કેટ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને વેપારીઓ દ્વારા વેચાણ માટે લાવવામાં આવેલ ઘઉં સહિતની વિવિધ જણસો ખુલ્લામાં મુકવામાં આવી હતી. રાત્રીના અરસામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. રાત્રીના અરસામાં પળેલા વરસાદ ને લઈ વેપારીઓને અનાજ સુરક્ષિત સ્થળે ખસેડવાનો પૂરતો સમય પણ મળ્યો નહોતો.

વરસાદના કારણે માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલો ઘઉંનો જથ્થો પાણીમાં પલળી ગયો હતો. કેટલાક સ્થળોએ વરસાદી પાણી ભરાઈ જતાં અનાજ ધોવાઈ જવાની સ્થિતિ પણ સર્જાઈ હતી. વેપારીઓ અને ખેડૂતો દ્વારા તાત્કાલિક તાડપત્રી તથા અન્ય સાધનો વડે અનાજ બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ ભારે વરસાદને કારણે નુકસાન ટાળવું મુશ્કેલ બન્યું હતું.

વેપારીઓના જણાવ્યા અનુસાર વરસાદના કારણે ઘઉંની ગુણવત્તા પર અસર થવાની શક્યતા છે, જેના કારણે બજાર ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે. અચાનક પડેલા વરસાદે માર્કેટયાર્ડમાં અવ્યવસ્થા સર્જી હતી અને નુકસાનનો ચોક્કસ આંક બહાર આવશે.

એક તરફ લાંબા સમયથી ચાલી રહેલી ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે, તો બીજી તરફ માર્કેટયાર્ડમાં અનાજ પલળતાં ખેડૂતો અને વેપારીઓમાં ચિંતાનો માહોલ જાવા મળ્યો હતો.