અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આવનારી ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાઈ રહ્યો છે. ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે ચકાસણી અને પરત ખેંચવાના તબક્કામાં રાજકીય ચિત્ર વધુ સ્પષ્ટ બનતું જઈ રહ્યું છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષોએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ માટે પોતાના ઉમેદવારો ઉતારી રાજકીય જંગને તીવ્ર બનાવ્યો છે.
જિલ્લાની કુલ ૧ જિલ્લા પંચાયત, ૧૧ તાલુકા પંચાયત અને ૬ નગરપાલિકાઓ માટે ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. કુલ મળીને ૧૩૧૭ ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા. જાકે, ચૂંટણી અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી ઝીણવટભરી ચકાસણી પ્રક્રિયા દરમિયાન ટેકનિકલ કારણોસર ૧૫૧ ઉમેદવારી પત્રો રદ કરવામાં આવ્યા છે, જ્યારે ૭ ઉમેદવારોએ પોતાની મરજીથી પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે. આ પ્રક્રિયા બાદ હવે ચૂંટણીનું ગણિત વધુ રસપ્રદ અને કડક બન્યું છે.
જિલ્લા પંચાયતની કુલ ૩૪ બેઠકો માટે ૧૨૭ ઉમેદવારી પત્રો ભરાયા હતા. ચકાસણી દરમિયાન ૧૯ ફોર્મ રદ કરવામાં આવ્યા છે અને ૧ ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે. પરિણામે હાલ ૧૦૭ ઉમેદવારી પત્રો માન્ય રહ્યા છે, જેના કારણે જિલ્લા સ્તરે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચેનો જંગ વધુ કડક બનવાની સંભાવના છે.
જિલ્લાની ૧૧ તાલુકા પંચાયતોની કુલ ૧૯૦ બેઠકો માટે ૬૩૯ ઉમેદવારી પત્રો ભરાયા હતા. ચકાસણી દરમિયાન ટેકનિકલ ખામીઓને કારણે ૬૯ ફોર્મ રદ થયા છે અને માત્ર ૧ ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી છે. આથી હવે ૫૬૯ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે, જે તાલુકા સ્તરે આ વખતે જારદાર ટક્કર જાવા મળશે તેવા સંકેત આપે છે.
જિલ્લાની ૬ નગરપાલિકાઓની કુલ ૧૮૪ બેઠકો માટે ૫૪૮ ઉમેદવારી પત્રો ભરાયા હતા. ચકાસણી પ્રક્રિયા બાદ ૬૩ ફોર્મ રદ કરવામાં આવ્યા છે અને ૫ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે. આમ હાલ ૪૮૩ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, જે શહેર વિસ્તારોમાં પણ કડક રાજકીય સ્પર્ધા થવાની સ્પષ્ટ સંકેત આપે છે.
અમરેલી જિલ્લામાં ચૂંટણી ચક્ર ચાલી રહ્યું છે ત્યારે ભાજપે બિનહરીફ જીતનો પહેલો ખાટલો ખોલી લીધો છે. જાફરાબાદ તાલુકાની વઢેરા બેઠક પર ભાજપના ઉમેદવાર ફુલબાઈબેન બામ્બણિયા બિનહરીફ જાહેર થયા છે. તેમની સામે અન્ય કોઈ ઉમેદવારી ન હોવાથી તેઓ વિજેતા જાહેર થઈ ચુક્યા છે. આ જીતને ભાજપ માટે પ્રારંભિક માનસિક બૂસ્ટ સમાન ગણવામાં આવી રહી છે અને પાર્ટી કાર્યકરોમાં ઉત્સાહનો સંચાર થયો છે.
બુધવાર, ૧૫ એપ્રિલના રોજ બપોર સુધી ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી મુદત છે. ત્યારબાદ સાંજે ચૂંટણી તંત્ર દ્વારા અંતિમ રીતે માન્ય ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે, જેના આધારે કઈ બેઠક પર કેટલા ઉમેદવારો મેદાનમાં છે અને કોની વચ્ચે સીધો જંગ જામશે તે સ્પષ્ટ થઈ જશે. અમરેલી જિલ્લામાં ઉમેદવારી ચકાસણી બાદ રાજકીય પરિસ્થિતિવધુ ગરમાઈ ગઈ છે અને હવે સૌની નજર બુધવારની સાંજે જાહેર થનાર અંતિમ યાદી પર ટકેલી છે.