
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય જંગ પણ રસપ્રદ બનતો જાય છે. અમરેલી નગરપાલિકાના વોર્ડ નંબર-૧૧માં અનોખો અને ચર્ચાસ્પદ મુકાબલો જામ્યો છે. અહીં સગા દિયર અને ભાભી એકબીજા સામે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે.
અમરેલીના આનંદનગર અને અર્જુનનગર વિસ્તારમાં આવતાં વોર્ડ નંબર ૧૧માં ભાજપે ફરી એકવાર પોતાના ઉમેદવાર તરીકે સંગીતાબેન ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. સંગીતાબેન ચાવડાને ભાજપે રીપીટ કરતા તેમની કાર્યશૈલી અને વિકાસપ્રત્યેની પ્રતિબદ્ધતામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સંગીતાબેનનું કહેવું છે કે તેઓ ભાજપની વિકાસવાદી વિચારધારાને વધુ વેગ આપવા માટે પ્રતિબદ્ધ છે અને વોર્ડમાં બાકી રહેલા વિકાસના કામોને પૂર્ણ કરવા માટે સતત કાર્યશીલ રહેશે. તેઓએ નગરજનોની સમસ્યાઓને પ્રાથમિકતા આપીને તેનો નિકાલ લાવવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે અને પોતાના વિજય અંગે આત્મવિશ્વાસ દર્શાવ્યો છે.
બીજી તરફ, સંગીતાબેનના સગા દિયર ભાવેશ ચાવડા આમ આદમી પાર્ટી તરફથી મેદાનમાં ઉતર્યા છે. ભાવેશ ભાઈનો દાવો છે કે વોર્ડ નંબર ૧૧માં પૂરતો વિકાસ થયો નથી અને સ્થાનિક લોકોની માંગણી મુજબ તેઓ ચૂંટણી લડી રહ્યા છે. તેઓનું કહેવું છે કે લોકોના પ્રશ્નોને ઉઠાવવા અને તેમની વાચા બનવા માટે તેમણે આ નિર્ણય લીધો છે. આમ આદમી પાર્ટીની વિચારધારા તેમને નજીક લાગે છે અને તે આધારે તેઓ ચૂંટણી લડી રહ્યા છે.
રસપ્રદ વાત એ છે કે એક જ પરિવારના હોવા છતાં બંને વચ્ચે કોઈ વ્યક્તિગત વિખવાદ કે મનદુઃખ નથી. બંને ઉમેદવારો સ્પષ્ટપણે કહે છે કે આ માત્ર વિચારધારાની લડાઈ છે, પરિવારની નહીં. આ પરિસ્થિતિએ આ ચૂંટણીને વધુ જ રસપ્રદ બનાવી દીધી છે.
હવે જાવાનું રહેશે કે વોર્ડ નંબર ૧૧ના મતદારો કોના પર વિશ્વાસ મૂકે છે — અનુભવ અને ચાલુ વિકાસ પર કે નવા વાયદા અને નવી વિચારધારા પર. દેવર અને ભાભી વચ્ચેનો આ અનોખો રાજકીય મુકાબલો અંતે કોના પક્ષે જાય છે તે આવનારો સમય જ બતાવશે.