અમદાવાદના ધોળકા પાસેની કેનાલમાં ૯૦ મીટરનું ભંગાણઃ વિકાસના દાવાઓ સામે કેનાલની ગુણવત્તા પર સવાલો

રાજ્યમાં વરસાદી આફત વચ્ચે સરકારી વિકાસ કાર્યોની પોલ ખોલતી એક મોટી ઘટના સામે આવી છે. ગત ૨૩ જુલાઈએ અમદાવાદમાં પડેલા ભારે વરસાદને કારણે દસક્રોઈ તાલુકાના કાસિન્દ્રા ગામની સીમ પાસેથી પસાર થતી નર્મદા નિગમ હસ્તકની ધોળકા શાખા નહેરમાં આશરે ૯૦ મીટર જેટલું મોટું ગાબડું (ભંગાણ) પડ્યું હતું. આ ઘટનાએ માત્ર તંત્રની દોડધામ જ મચાવી નથી, પરંતુ નર્મદા કેનાલોની નબળી ગુણવત્તા અને કામગીરી સામે પણ પિયત વિસ્તારના ખેડૂતોમાં ભારે રોષ અને સવાલો ઊભા કર્યા છે.

ઉપરવાસમાંથી આવેલા પાણીના સામાન્ય કે ભારે પ્રવાહ માત્રથી નહેરમાં ૯૦ મીટર જેટલો લાંબો ભાગ તૂટી પડવો એ કેનાલના નિર્માણ કાર્યમાં વપરાયેલી સામગ્રી અને તેના ઈજનેરી ધોરણો પર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે. ખેડૂતો અને સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે કે જા થોડા જ વરસાદમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલી નહેરો આ પ્રકારે પત્તાના મહેલની જેમ ધરાશાયી થતી હોય, તો તેનાથી સરકારના વિકાસના દાવાઓની વાસ્તવિકતા છતી થાય છે. શું આ કામગીરીમાં ભ્રષ્ટાચાર કે વહીવટી બેદરકારી જવાબદાર છે? તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે.

ભંગાણના અહેવાલ મળતા જ ૨૪ જુલાઈના રોજ દસક્રોઈના ધારાસભ્ય, પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી તેમજ નર્મદા નિગમના સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. અધિકારીઓએ સ્થળની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને કટોકટીની આ સ્થિતિને કાબૂમાં લેવા માટે તાત્કાલિક પગલાં ભરવાની કવાયત હાથ ધરી હતી.

ચાલુ ખરીફ સિઝનમાં દસક્રોઈ અને ધોળકા તાલુકાના હજારો એકર પિયત વિસ્તારમાં સિંચાઈનું પાણી અટકી ન પડે તે અત્યારે તંત્ર માટે સૌથી મોટો પડકાર છે. ભંગાણ વધુ વિકરાળ સ્વરૂપ ન ધારણ કરે તે માટે તંત્ર દ્વારા ભારે મશીનરી અને માનવબળ કામે લગાવાયું છે. હાલમાં મોટા કાળા પથ્થરો તથા કોંક્રિટનો ઉપયોગ કરીને નહેરના ભંગાણવાળા ભાગમાં અસ્થાયી પુરાણ કામગીરી યુદ્ધના ધોરણે આગળ વધારવામાં આવી રહી છે.અસ્થાયી મરામત બાદ નર્મદા નિગમ દ્વારા ભંગાણવાળા હિસ્સામાં કાયમી ધોરણે પાકું લાઇનિંગ કરવાનું આયોજન કરાયું છે. આગામી ૧૨ ઓગસ્ટ સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવા માટેનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે,

જેથી ભવિષ્યમાં આવા જાખમોથી બચી શકાય અને પાણીનો પ્રવાહ સુરક્ષિત રીતે આગળ વધી શકે.ખેડૂતો અને હિતધારકોની નજર હવે માત્ર ૧૨ ઓગસ્ટે પૂરી થનારી કામગીરી પર જ નહીં, પરંતુ કેનાલોની નબળી ગુણવત્તા માટે જવાબદાર લોકો સામે કેવા પગલાં લેવાય છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન સર્જાય તે માટે તંત્ર શું નક્કર આયોજન કરે છે તેના પર પણ રહેશે.