
સાબરકાંઠાના ઈડરમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. હસનપુરા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન લીધા બાદ ૪૫થી વધુ બાળકોની તબિયત લથડતા બાળકોને ઈડર સિવિલ હોસ્પટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને લઈ સ્થાનિક તંત્ર દોડતું થયું છે.શાળામાં બનાવવામાં આવેલી અડદની દાળમાંથી ગરોળી નીકળ્યાનો આક્ષેપ થતાં સમગ્ર મામલે સવાલો ઊભા થયા છે.હસનપુરા પ્રાથમિક શાળાની ગંભીર બેદરકારી સામે આવી છે.
શાળામાં બાળકો માટેના મધ્યાહન ભોજન જમ્યા બાદ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર જાવા મળી હતી. આ બેદરકારી ભોગ ૪૫ જેટલા બાળકો બનાતા બાળકોને તત્કાલિક સારવાર અર્થે ઈડર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હસનપુરા પ્રાથમિક શાળામાં બાળકો માટે મધ્યાહન ભોજનમાં અડદની દાળ બનાવવામાં આવી હતી.
ભોજન લીધા બાદ કેટલાક બાળકોને પેટમાં દુખાવો, ઉલટી સહિતની તકલીફો થઈ હોવાની માહિતી સામે આવી છે. બાળકોની સંખ્યા વધતાં શાળા તંત્ર અને વાલીઓમાં ચિંતા ફેલાઈ હતી. ત્યારબાદ અસરગ્રસ્ત બાળકોને તાત્કાલિક સારવાર માટે ઈડર સિવિલ હોÂસ્પટલમાં લઈ જવામાં આવ્યા હતા.આ સમગ્ર ઘટનામાં સૌથી ગંભીર આક્ષેપ એ છે કે બાળકો માટે બનાવવામાં આવેલી અડદની દાળમાંથી ગરોળી નીકળી હતી. આ આક્ષેપ બાદ મધ્યાહન ભોજનની ગુણવત્તા અને ખાદ્ય સામગ્રીની તપાસ સામે પણ સવાલો ઊભા થયા છે.
આ ઘટનાને પગલે મધ્યાહન ભોજન વિભાગની કામગીરી સામે સવાલો ઊઠ્યા છે. બાળકોને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા, રસોઈની સ્વચ્છતા અને ખાદ્ય સામગ્રીની તપાસ કરવામાં આવે છે કે નહીં તે અંગે વાલીઓમાં અને ગ્રામજનોમાં ચર્ચા શરૂ થઈ છે. સાથે જ પુરવઠા વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. શાળામાં પહોંચાડવામાં આવતી ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અને તેની ચકાસણી અંગે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.