અમદાવાદ ભાડજ તળાવ નજીક એસપી રિંગ રોડ પર મોડી રાત્રે બે ટુ-વ્હીલર વચ્ચે સામસામે ટક્કર થતાં એક વ્યકિત નું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં બીજી એક વ્યકિત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ‘છ’ ડિવિઝન ટ્રાફિક પોલીસે આ મામલે તાત્કાલિક ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક માહિતી અનુસાર ભાડજ તળાવ પાસેથી પસાર થતા એસપી રિંગ રોડ પર બે અલગ-અલગ ટુ-વ્હીલર પર સવાર યુવકો વચ્ચે અચાનક જારદાર ટક્કર થઈ હતી.અકસ્માત એટલો ભયાનક હતો કે બંને વાહનોના આગળના ભાગો તૂટી ગયા હતા અને રસ્તા પર વિખેરાયેલા પડ્યા હતા. એક ટુ-વ્હીલર ચાલકને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બીજા ચાલકને પણ ગંભીર ઈજાઓ થઈ હતી.
ઘટનાની જાણ થતાં જ ‘એ’ ડિવિઝન ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિવિધ હોસ્પીટલમાં ખસેડ્યો હતો અને ઈજાગ્રસ્ત વ્યકિતને તાત્કાલિક નજીકના હોસ્પીટલમાં દાખલ કરાવી સારવાર શરૂ કરાવી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન ઈજાગ્રસ્ત ટુ-વ્હીલર ચાલકની બેદરકારી અને તેજ ગતિ જાવા મળતા તેની સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળે લાગેલા સીસીટીવી કેમેરાની ફૂટેજ તપાસી રહી છે અને આસપાસના સાક્ષીઓના નિવેદનો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.