અમદાવાદમાં ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી, ૧૦ કરોડનું ટ્રામાડોલ ડ્રગ્સ ઝડપાયું, એક આરોપીની ધરપકડ

ગુજરાત એટીએસએ અમદાવાદમાં મોટી કાર્યવાહી કરતાં શાહીબાગ વિસ્તારમાં નમસ્તે સર્કલ નજીકથી અંદાજે ૧૦ કરોડની કિંમતનો ટ્રામાડોલ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ટ્રામાડોલ નામના પ્રતિબંધિત ડ્રગ્સનો આ જથ્થો ગુજરાતમાં ડિલિવરી માટે લાવવામાં આવી રહ્યો હતો. જોકે, ડિલિવરી થાય તે પહેલાં જ એટીએસએ બાતમીના આધારે દરોડો પાડી સમગ્ર જથ્થો કબજે કરી લીધો હતો.

એટીએસના અધિકારીઓ આરોપીની પૂછપરછ કરી રહ્યા છે અને આ ડ્રગ્સ રેકેટ સાથે સંકળાયેલા અન્ય લોકો તેમજ સમગ્ર સપ્લાય ચેઇનની તપાસ શરૂ કરી છે. તપાસ એ દિશામાં પણ ચાલી રહી છે કે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેનો ઉપયોગ અથવા વિતરણ ક્યાં થવાનું હતું.

ગુજરાત એટીએસની આ કાર્યવાહી રાજ્યમાં ડ્રગ્સના ગેરકાયદે વેપાર સામેની મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે આગામી દિવસોમાં તપાસના આધારે વધુ ખુલાસા થવાની શક્યતા છે.