અમદાવાદમાં ધીરે પગલે ઠંડી વધી! ગુજરાતમાં આગામી પાંચ દિવસ કેવું રહેશે હવામાન

છેલ્લા થોડા દિવસથી પવનની ગતિ સામાન્ય કરતા વધુ રહી છે. પવન ૧૫થી ૨૦ કિ.મી.ની ઝડપે ફૂંકાઈ રહ્યો છે. અમુક વિસ્તારોમાં તેની ઝડપ ૨૫ કિ.મી. પ્રતિ કલાક સુધીની રહી છે. ત્યારે ૧૫ ડિસેમ્બર સુધીમાં પહેલા પવનની ગતિ થોડી વધીને ફરીથી પવનની ગતિ સામાન્ય થાય તેવી હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે. પવનને કારણે ઠંડી થોડી વધારે અનુભવાઈ રહી છે. ત્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી જોઈએ.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આપેલા વેધર રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આ સાથે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં તાપમાન અંગેની આગાહી કરતા જણાવ્યું છે કે, આજે અહીં ૧૫ ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાન નોંધાઈ શકે છે. આ સાથે આકાશ સ્પષ્ટ રહેવાની સંભાવના છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, વિવિધ શહેરના મંગળવારના તાપમાન અંગેની વાત કરીએ તો, ગુજરાતમાં સૌથી ઠંડુ લઘુત્તમ તાપમાન નલિયામાં ૧૦ ડિગ્રી નોંધાયું છે. આ સાથે અમદાવાદમાં ૧૪.૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે સોમવારે અમદાવાદમાં ૧૫.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે વડોદરામાં ૧૨.૬ ડિગ્રી, રાજકોટમાં ૧૩.૮, ડીસામાં ૧૩.૮, પોરબંદરમાં ૧૪.૪, ભૂજમાં ૧૪.૨, ગાંધીનગરમાં ૧૪.૮, અમરેલીમાં ૧૩.૯, ભાવનગરમાં ૧૪.૨, સુરતમાં ૧૮ અને વેરાવળમાં ૧૯.૮ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

દિલ્હી-એનસીઆરમાં છેલ્લા ૨૪ કલાકમાં હવામાન એકદમ સ્વચ્છ રહ્યું છે. મંગળવારે સૂર્યપ્રકાશ જોવા મળ્યો. ૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાયો. જોકે, તીવ્ર સૂર્યપ્રકાશને કારણે દિવસ હળવો ગરમ રહ્યો. જોકે, સાંજ પડતાં હવામાન વધુ ખરાબ થયું. તાપમાનમાં ઘટાડો થયો અને લોકોએ તીવ્ર ઠંડીનો અનુભવ કરવાનું શરૂ કર્યું. દરમિયાન, ભારતીય હવામાન વિભાગે દિલ્હી-એનસીઆર માટે ૧૫ ડિસેમ્બર સુધી નવી હવામાન આગાહી જાહેર કરી છે. ૧૫ ડિસેમ્બર સુધીની વર્તમાન હવામાન આગાહી જોતાં, ઠંડીમાં વધારો થતો નથી. તાપમાન પણ સ્થિર હોવાનું જણાય છે. વધુમાં, ભારતીય હવામાન વિભાગે ૧૫ ડિસેમ્બર સુધી કોઈ શીત લહેરની આગાહી જારી કરી નથી.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે, આજથી ૧૦મી ડિસેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે. આ માવઠાનો પ્રભાવ ખેડૂતોને ખાસ અસર કરી શકે છે. ડિસેમ્બર મહિનાના મયમાં હવામાન પરિસ્થિતિ વધુ બદલાય તેવી શક્યતા છે. ૧૮થી ૨૪ ડિસેમ્બર દરમિયાન એક મજબૂત પશ્ર્ચિમી વિક્ષેપ આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે બંગાળના ઉપસાગરમાં એક ડીપ ડિપ્રેશન સર્જાવવાની શક્યતા છે અને અરબી સમુદ્ર તરફથી હળવો ભેજ મળતા રાજ્ય પર તેની સંયુક્ત અસરથી ફરી માવઠું થઈ શકે છે.