
અમદાવાદમાં આત્મહત્યાના બનાવમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આ જોતાં સ્પષ્ટપણે લાગે છે કે શહેરમાં દરેક વોર્ડ દીઠ મનોવૈજ્ઞાનિકો જાણે નીમવા પડે તેવી સ્થિતિ છે. અમદાવાદમાં ચાંદખેડામાં એક પરીણિત મહિલાએ આત્મહત્યા કરતા આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
આ કરુણાંતિકા ચાંદખેડામાં આવેલી દિવાળી હોમ્સ સોસાયટીમાં બની હતી. બે દિવસ પહેલા જ આ સોસાયટીમાં મૈત્રી શ્રીમાળી નામની ૨૮ વર્ષીય પરીણિત મહિલાએ લેટના ત્રીજા માળેથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
મહિલાએ કરેલી આત્મહત્યાના સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે કે સફાઈ કર્મચારી કામ કરી રહ્યા છે ત્યારે મહિલા અચાનક નીચે પડે છે. મહિલાના પડવાનો અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા. એમ્બ્યુલન્સને પણ તાત્કાલિક બોલાવવામાં આવી હતી, પરંતુ એમ્બ્યુલન્સના ડોક્ટરોએ તેને મૃત્યુ પામેલી જાહેરાત કરી હતી.
ચાંદખેડા પોલીસને પણ ઘટનાની જાણ કરવામાં આવતા હતા તે પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે મૈત્રીના થોડા વર્ષ પહેલાં પ્રેમલગ્ન થયા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે તેના પ્રેમલગ્ન થયા હોવા છતાં પણ તેનો પતિ સાથે મનમેળ ન હતો, તેના કારણે તે પિયરમાં ગઈ હતી. તેના સંબંધો સુધરતા તે પતિના ઘરે પરત પણ ફરી હતી. તેમને બે વર્ષનું એક બાળક પણ છે.
જો કે પોલીસને મહિલા પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી અને મહિલાએ કયા કારણથી આત્મહત્યા કરી તે જાણવા મળ્યું નથી. આના પગલે હાલમાં ચાંદખેડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સમાચાર મળતાં જ ચાંદખેડા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આત્મહત્યાના કારણોની તપાસ કરી હતી, પરંતુ આત્મહત્યા કરનારી મહિલા પાસેથી કોઈ સુસાઇડ નોટ ન મળતા પોલીસે તપાસ જારી રાખી છે. આ ઉપરાંત પોલીસની તપાસમાં હાલમાં મોતનું કારણ પણ જાણવા મળ્યું નથી. તેના કારણે ચાંદખેડા પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે. આ માટે મૃતકનો મોબાઇલ ફોન કબ્જે લઈને પોલીસે ફોરેન્સિક તપાસમાં મોકલી આપ્યો છે.