
-શાંતિ કુમાર શાળામાં કાછિયા પટેલ સમાજ દ્વારા વર્ષોથી પૂજાતા વૃક્ષનું નિકંદન નીકળતા હિન્દુ સમાજની લાગણી દુભાઈ.
મંજૂરી વગર વૃક્ષ કપાયું હોવાની આશંકા સાથે નિષ્પક્ષ તપાસની માંગ.
વૃક્ષ એ માત્ર પ્રકૃતિનું અંગ નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિમાં તે આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક છે. ગોધરાની શાંતિ કુમાર શાળાના પરિસરમાં છેલ્લા ૬૦થી ૬૫ વર્ષથી અડીખમ ઉભેલા અને કાછિયા પટેલ સમાજ તેમજ સ્થાનિક રહીશોની અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર બનેલા પવિત્ર પીપળાના વૃક્ષ પર કુહાડો ફેરવી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. પેઢીઓથી જે વૃક્ષની છાયામાં બેસીને લોકોએ પૂજા-અર્ચના કરી હતી, તે વૃક્ષને જમીનદોસ્ત કરી દેવાતા સ્થાનિકોની આંખોમાં આંસુ અને હૈયામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક રહીશો અને કાછિયા પટેલ સમાજના અગ્રણીઓના જણાવ્યા અનુસાર, આ પીપળાનું વૃક્ષ વર્ષોથી હિન્દુ સમાજની ધાર્મિક વિધિઓ અને પૂજા-પાઠનું પવિત્ર સ્થાન રહ્યું છે. કોઈપણ પ્રકારની પૂર્વ જાણ કર્યા વિના આસ્થાના આ પ્રતીકને કાપી નાખવામાં આવતા હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓને ઊંડો ઠેસ પહોંચી છે. વૃક્ષના કપાયેલા થડ જોઈને ભાવુક થયેલા સ્થાનિકોએ આ ઘટનાને અત્યંત નિંદનીય ગણાવી છે.
આ સમગ્ર વિવાદમાં ત્યારે નવો વળાંક આવ્યો જ્યારે વૃક્ષ કાપવાની કામગીરીમાં જોડાયેલા વ્યક્તિએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. આક્ષેપ મુજબ, વોર્ડ નંબર ૫ના ચૂંટાયેલા કાઉન્સિલરને રૂ. ૪ હજાર આપ્યા બાદ આ વૃક્ષ કાપવામાં આવ્યું છે. આ ગંભીર આક્ષેપને પગલે સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે.
શું ૬૫ વર્ષ જૂનું અને ધાર્મિક મહત્વ ધરાવતું આ વૃક્ષ કાપવા માટે વન વિભાગ કે નગરપાલિકાની કોઈ સત્તાવાર મંજૂરી લેવામાં આવી હતી?
વૃક્ષ કાપનાર વ્યક્તિ દ્વારા કાઉન્સિલર પર કરાયેલા રૂ. ૪ હજારની કથિત લેવડદેવડના આક્ષેપમાં કેટલું તથ્ય છે?
આસ્થાના પ્રતીક સમાન વૃક્ષનું નિકંદન કાઢવા પાછળ અસલી જવાબદાર કોણ?
નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહીની માંગ હાલ તો સમગ્ર મામલે સ્થાનિક રહીશોમાં ભારે ઉકળાટ છે. લોકોની એક જ માંગ છે કે, વહીવટી તંત્ર આ ઘટનાને ગંભીરતાથી લઈ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરે. જો કોઈપણ વ્યક્તિ કે જનપ્રતિનિધિ દ્વારા સત્તાનો દુપયોગ કરીને કે મંજૂરી વિના આ કૃત્ય આચરવામાં આવ્યું હોય, તો તેમની સામે દાખલાપ કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈની ધાર્મિક લાગણી કે પ્રકૃતિ સાથે આવા ચેડાં ન થાય.