શહેરા પોલીસે હાઇવે પર વોચ ગોઠવી એક વોલ્વો બસમાંથી ટ્રોલી બેગોમાં પાર્સલ સ્વરૂપે હેરાફેરી કરાતો ૨૦૧ લીટર વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.પોલીસે રૂપિયા ૨,૫૭,૨૧૪ ના મુદ્દામાલ સાથે હાલોલના એક શખ્સ અને પાર્સલ મોકલનાર અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
પંચમહાલ જિલ્લામાં દારૂની હેરાફેરી રોકવા માટે પોલીસ દ્વારા સતત વોચ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરા પોલીસે બસ સ્ટેશન પાસે પસાર થતા હાઇવે ઉપર એક વોલ્વો બસ ને ઊભી રખાવીને તપાસ હાથ ધરી હતી.પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન વોલ્વો બસ મારફતે ટ્રોલી બેગોમાં પાર્સલ કરીને મોકલાયેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.વોલ્વો બસના લગેજ બોક્સમાંથી પ્લાસ્ટિકના ક્વાર્ટર, પાઉચ અને કાચની બોટલો મળી કુલ ૨૦૧ લીટર વિદેશી દારૂ કબજે કરાયો હતો, જેની કિંમત ₹૨,૫૭,૨૧૪ આંકવામાં આવી રહી છે.બસના લગેજ બોક્સમાં ટ્રોલી બેગો મારફતે પાર્સલ સ્વરૂપે દારૂની હેરાફેરી કરવાનો પ્રયાસ પોલીસની સતર્કતાને કારણે નિષ્ફળ ગયો હતો.પોલીસે આ મામલે વોલ્વો બસ માં મુદ્દામાલના પાર્સલ કરી મોકલી આપનાર અજાણ્યો ઈસમ, જેના નામ-ઠામની હાલ કોઈ માહિતી મળી નથી તેમજ ઉપેન્દ્રસિંહ જોગેન્દ્રસિંહ રાઠોડ, રહે. હાલોલ જિ. પંચમહાલ સામે નિયમ મુજબની કાર્યવાહી હાથધરી હતી.આ કેસની આગળની તપાસ પોલીસ સબ ઈન્સ્પેક્ટર એસ.આર. શર્મા દ્વારા ચલાવવામાં આવી રહી છે. દારૂનું પાર્સલ મોકલનાર અજાણ્યા શખ્સની ઓળખ મેળવવા તેમજ આ નેટવર્કમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.