ઇઝરાયલે હમાસના વધુ એક વરિષ્ઠ કમાન્ડરને મારી નાખવાનો દાવો કર્યો છે. ઇઝરાયલ આને હમાસ સામેની તેની લશ્કરી કાર્યવાહીમાં એક મોટી સફળતા માની રહ્યું છે. વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે એક સંયુક્ત નિવેદન બહાર પાડીને કહ્યું કે ઇઝરાયલી સંરક્ષણ દળોએ હમાસના આંતરિક સુરક્ષા ઉપકરણના વડા નઈમ અબુ નાહલને મારી નાખ્યા છે. નિવેદન અનુસાર, ઇઝરાયલી સેનાએ લગભગ ત્રણ મહિના પહેલા એક ખાસ કાર્યવાહીમાં તેમના પુરોગામીની ધરપકડ કર્યા પછી નઇમ અબુ નાહલે આ પદ સંભાળ્યું.
નેતન્યાહુ અને કાત્ઝે આ કાર્યવાહી માટે આઇડીએફ અને ઇઝરાયલની આંતરિક સુરક્ષા એજન્સીની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે સુરક્ષા એજન્સીઓએ સરકારની આક્રમક નીતિને અસરકારક રીતે અમલમાં મૂકી છે. આ સંયુક્ત નિવેદનમાં, ઇઝરાયલી નેતૃત્વએ કહ્યું કે કોઈ પણ આતંકવાદી ઇઝરાયલની પહોંચથી છટકી જવામાં સફળ થશે નહીં. જાકે, નિવેદનમાં નઇમ અબુ નાહલની હત્યા કરનારી કાર્યવાહીના સ્થાન, સમય અથવા અન્ય પરિસ્થિતિઓ વિશે વિગતો આપવામાં આવી નથી.
ઇઝરાયલ સંરક્ષણ દળના સૂત્રો અનુસાર, અબુ નાહલ ગાઝામાં હમાસનું “શેડો સામ્રાજ્ય”, તેનું ગુપ્તચર નેટવર્ક ચલાવતો હતો. ઇઝરાયલી દળો દ્વારા તેમની હત્યા હમાસના આંતરિક કમાન્ડ માટે મોટો ફટકો છે. એક નિવેદનમાં, નેતન્યાહુ અને કાત્ઝે જણાવ્યું હતું કે હમાસના અગાઉના આંતરિક સુરક્ષા વડાને પકડ્યાના બરાબર ત્રણ મહિના પછી અબુ નાહલની હત્યા કરવામાં આવી હતી. બંને નેતાઓએ સરકારની આક્રમક નીતિ લાગુ કરવા બદલ આઇડીએફ અને શિન બેટની પ્રશંસા કરી.અગાઉ, ગાઝામાં ઇઝરાયલી હુમલા ચાલુ રહ્યા. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઇઝરાયલે સોમવારે રાત્રે અને મંગળવારે સવારે ચાર હુમલા કર્યા, જેમાં ઓછામાં ઓછા નવ પેલેસ્ટનિયનોના મોત થયા. મૃતકોમાં હમાસ સંચાલિત સરકારના ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીનો સમાવેશ થાય છે.