
ગુજરાતમાં શિયાળાની શરૂઆત સાથે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે અને મોડી રાતે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, જ્યારે બપોરના સમયે તડકો નીકળતાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં સવારે ઠંડક અને બપોરે ગરમ વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. દરમિયાન હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના લઘુતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નકારી છે. પરિણામે હાલ ઠંડી અને ગરમીની વધઘટનો માહોલ યથાવત્ રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ રાજ્યભરમાં વાતાવરણ સૂકું રહેશે. લઘુતમ તાપમાનમાં પણ કોઈ નોંધપાત્ર ફેરફાર થવાની શક્્યતા નથી. છેલ્લા કેટલાક દિવસથી રાત્રિના તાપમાનમાં જાવા મળી રહેલી વધઘટ આગામી દિવસોમાં પણ ચાલુ રહી શકે છે.
અમદાવાદમાં આજે વહેલી સવારે લઘુતમ તાપમાન ૧૬.૭ ડિગ્રી નોંધાયું હતું. દિવસ અને રાતના તાપમાન વચ્ચેના તફાવતને કારણે શહેરમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે ઠંડક રહે છે, જ્યારે બપોરે તડકાને કારણે ગરમી લાગે છે. આજે શહેરમાં આકાશ સ્વચ્છ રહેવાની અને મહત્તમ તાપમાન ૩૧ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. લઘુતમ તાપમાન ૧૬ ડિગ્રીની આસપાસ રહી શકે છે. રાજ્યમાં સૌથી ઓછું ૧૧ ડિગ્રી લઘુતમ તાપમાન નલિયામાં નોંધાયું હતું. ત્યાર બાદ ગાંધીનગરમાં ૧૪ ડિગ્રી, અમરેલીમાં ૧૪.૮ ડિગ્રી, ડીસામાં ૧૪.૮ ડિગ્રી, રાજકોટમાં ૧૫.૨ ડિગ્રી અને અમદાવાદમાં ૧૬.૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.