દેવગઢ બારીયા વન વિભાગમાં હડતાળનો હાહાકાર, ૧૫૦થી વધુ કર્મચારીઓ મેદાનમાં
વર્ગ-૩ના તમામ કર્મચારીઓ હડતાળ પર ઉતરતાં વન વિભાગનું મોટાભાગનું કામકાજ ઠપ્પ પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતાં કર્મચારીઓ એ કરી અચોક્કસ મુદતની હડતાલ જંગલ અને વન્યજીવોના રક્ષણની જવાબદારી નિભાવતા વન વિભાગના કર્મચારીઓ હવે પોતાના હક અને પડતર માગણીઓ માટે મેદાન માં ઉતર્યા છે. દેવગઢ બારીયા વન વિભાગની રેન્જમાં ૧૫૦ થી પણ વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાતાં વન વિભાગના વહીવટી તેમજ જંગલ ના કામકાજ પર ગંભીર અસર પડી છે. વર્ગ-૩ના તમામ કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે, જ્યારે વર્ગ-૧, વર્ગ-૨ અને વર્ગ-૪ના કર્મચારીઓ ફરજ પર હાજર રહ્યા છે. વન કર્મચારીઓ લાંબા સમયથી વિવિધ પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ પ્રશ્નોનો ઉકેલ નહીં આવતાં કર્મચારીઓમાં ભારે અસંતોષ ફેલાયો છે. કર્મચારીઓની મુખ્ય માગણીઓમાં રિસ્ક એલાઉન્સ, ૨૯ દિવસના પગારની ચૂકવણી, વનપાલ અને રેન્જ ફોરેસ્ટ ઓફિસરના ભથ્થામાં વધારો, વિવિધ સંવર્ગના કર્મચારીઓના ગ્રેડ-પેમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવી સહિતના પ્રશ્નોનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે, વન કર્મચારીઓ જંગલ વિસ્તારમાં હિંસક પ્રાણીઓ અને જોખમી પરિસ્થિતિઓ વચ્ચે રહીને ફરજ બજાવે છે. જંગલમાં મોબાઇલ નેટવર્કની સુવિધા પણ પૂરતી ન હોવા છતાં પરિવારથી દૂર રહી ફરજ નિભાવતા કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં હવે આંદોલન ઉગ્ર બન્યું છે. આ મુદ્દે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી વન કર્મચારીઓના પડતર પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરી છે. તેમ છતાં કર્મચારીઓના પ્રશ્નોનો ઉકેલ ક્યારે આવશે તે અંગે હજી કોઈ નક્કી નથી.
૧૫૦થી વધુ કર્મચારીઓની હડતાળને પગલે દેવગઢ બારીયા રેન્જમાં વન વિભાગની કામગીરી ખોરવાઈ છે. હવે સવાલ એ છે કે, જંગલ અને વન્યજીવોનું રક્ષણ કરનારા કર્મચારીઓની વેદના સરકાર ક્યારે સાંભળશે અને તેમના પડતર પ્રશ્નોનો ઉકેલ ક્યારે આવશે?
જંગલના રખેવાળ જ પોતાના હક માટે મેદાનમાં: દેવગઢ બારીયા રેન્જના ૧૫૦થી વધુ વનકર્મીઓ હડતાળ પર, કામગીરી ખોરવાઈ.