
બોડેલીમાં વિજયાદશમીના પર્વે ગલગોટાના ફૂલોનું સારું વેચાણ થયું હતું. દશેરાના દિવસે ગલગોટાની માંગ વધતી હોવાથી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ખેડૂતો અને વેપારીઓએ ગલગોટા વેચ્યા હતા.
જોકે, ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ગલગોટાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. પૂરતો ભાવ ન મળતા ગલગોટાની ખેતી કરતા ખેડૂતો નિરાશ થયા છે.
કેટલાક ખેડૂતો વેપારીઓને વેચવાને બદલે પોતે જ ગલગોટા લઈને બજારમાં વેચાણ કરતા જોવા મળ્યા હતા. ખેડૂતોનું કહેવું છે કે બિયારણ, ખાતર, દવા, પાણી અને મજૂરીનો ખર્ચ પણ નીકળતો નથી.
દશેરા જેવા તહેવારમાં માંગ હોવા છતાં યોગ્ય ભાવ ન મળતા ખેતીનો ખર્ચ સરભર કરવો મુશ્કેલ બન્યો છે. ભાવ ઘટવાને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે.