ગોધરાના રણછોડજી મંદિર ગરબા મહોત્સવમાં દિવ્યાંગ બાળકોએ ગરબે ઘૂમી નવરાત્રિની ઉજવણી કરી

નવરાત્રિના છઠ્ઠા દિવસે બહેરા-મૂંગા શાળાના બાળકો માટે વિશેષ ગરબા આયોજન; ભેટસોગાદો આપી અલ્પાહાર કરાવી સ્નેહપૂર્વક વિદાય અપાઈ.

ગોધરાના વર્ષો જૂના રણછોડજી મંદિર ગરબા મહોત્સવ દ્વારા નવરાત્રિના છઠ્ઠા દિવસે બહેરા-મૂંગા શાળાના બાળકો માટે વિશેષ ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાનાં બાળકો ઉત્સાહભેર જોડાયાં હતાં અને ગરબા રમીને આનંદની લાગણી અનુભવી હતી.

રણછોડજી મંદિર ગરબા મહોત્સવના આયોજકો દ્વારા બાળકોને નવરાત્રિ પર્વની ખુશીઓમાં સહભાગી બનાવવાના હેતુથી આ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન બહેરા-મૂંગા શાળાનાં બાળકોએ ખૂબ જ ઉત્સાહ અને ઊર્જા સાથે ગરબા ગાઈને ગરબે ઘૂમી આનંદ માણ્યો હતો. ગરબાના તાલે બાળકોના ચહેરા પર જોવા મળેલો ઉત્સાહ અને ખુશી કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યાં હતાં.

ગરબા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બાળકોએ માતાજીની આરતી ઉતારી ધન્યતાની લાગણી અનુભવી હતી. ત્યારબાદ આયોજકો દ્વારા તમામ બાળકોને નાની-મોટી ભેટસોગાદો આપવામાં આવી હતી. સાથે જ બાળકોને અલ્પાહાર કરાવી સ્નેહપૂર્વક વિદાય આપવામાં આવી હતી.

રણછોડજી મંદિર ગરબા મહોત્સવ દ્વારા કરવામાં આવેલી આ પહેલથી બાળકોને નવરાત્રિના પર્વમાં આનંદ માણવાની અને ઉત્સવની ખુશીઓમાં સહભાગી થવાની સુંદર તક મળી હતી. આવા સેવાભાવી અને સંવેદનશીલ આયોજન સમાજમાં માનવતા, સમાનતા અને સેવાની ભાવનાને પ્રોત્સાહન આપે છે.