ગોધરાની સ્કૂલમાં વિદ્યાર્થીને માર મારનાર શિક્ષક સસ્પેન્ડ : શિક્ષકને છૂટા કરાતા સ્ટાફે સમર્થનમાં વિરોધ પ્રદર્શન કર્યું

ગોધરાની સ્વામિનારાયણ ગાદી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ-૭ના વિદ્યાર્થીને માર મારવાના કેસમાં શાળા મેનેજમેન્ટે કાર્યવાહી કરી છે. ગત ૨૩ સપ્ટેમ્બરના રોજ ડાન્સ શિક્ષક શકલીન અઝગરે વિદ્યાર્થીને લાફા માર્યા હોવાની વાલીએ ફરિયાદ કરી હતી.

વાલીના કહેવા મુજબ, શિક્ષકના મારથી વિદ્યાર્થીના ગાલ પર સોજો આવી ગયો હતો અને કાનમાં દુખાવો થયો હતો. આ પછી પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ કેસમાં ગોધરા એ ડિવિઝન પોલીસે ડાન્સ શિક્ષક શકલીન અઝગર સામે ગુનો નોંધી તપાસ શ‚ કરી છે. શાળા મેનેજમેન્ટે શિક્ષકને તરત જ સસ્પેન્ડ કરી છૂટા કરી દીધા છે.

જોકે, આ વિવાદ વચ્ચે શાળાનો સ્ટાફ શિક્ષકના સમર્થનમાં આવ્યો હતો. શાળા પરિસરમાં સ્ટાફે શિક્ષકનું સન્માન કરો, ભવિષ્યનું સન્માન કરો અને ભણતરની સાથે ભણાવનારનું પણ સન્માન કરો જેવા પ્લે-કાર્ડ્સ સાથે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કર્યું હતું.