
તા.૧૮/૦૮/૨૦૨૬ થી તા.૧૭/૧૦/૨૦૨૬ રાતના કલાક: ૧૦/૦૦ થી સવાર કલાક: ૬/00 સુધી સમગ્ર જીલ્લામાં ડી.જે.ના ઉપયોગ પર પ્રતિબંધ.
ગોધરા: પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટ અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી દ્વારા ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરવા તેમજ જાહેર સલામતી અને શાંતિ જળવાઈ રહે તે હેતુથી DJ, લાઉડ સ્પીકર સહિતના ધ્વનિ વિસ્તરણ સાધનોના ઉપયોગ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામા મુજબ ધાર્મિક તથા સામાજિક પ્રસંગો, સરઘસ અને વરઘોડા દરમિયાન DJ તથા લાઉડ સ્પીકરના વધુ પડતા અવાજને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસમાં વિક્ષેપ, દર્દીઓ અને વડીલોને તકલીફ તેમજ ટ્રાફિક અને સલામતી સંબંધિત સમસ્યાઓ ઊભી થતી હોવાની બાબતોને ધ્યાનમાં લેવામાં આવી છે.
પંચમહાલના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ 33(1) હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામામાં Noise Pollution (Regulation and Control) Rules, 2000 મુજબ નિર્ધારિત ડેસિબલ મર્યાદાનું પાલન કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

શાળા, હોસ્પિટલ અને ધાર્મિક સ્થળોની આસપાસ ખાસ પ્રતિબંધ
જાહેરનામા મુજબ સરકારી કચેરીઓ, હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો તથા ધાર્મિક સ્થળોની આસપાસના 100 મીટરના વિસ્તારને સાયલન્સ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આવા વિસ્તારોમાં DJ તથા અન્ય ધ્વનિ વિસ્તરણ સાધનોનો ઉપયોગ કરી શકાશે નહીં.
આ ઉપરાંત સાયલન્સ ઝોનની આસપાસના 900 મીટરના વિસ્તારમાં પણ DJના ઉપયોગ અંગે નિયંત્રણો લાગુ રહેશે.
ડેસિબલની મર્યાદા નક્કી
જાહેરનામા સાથે આપવામાં આવેલા ધ્વનિ માપદંડ મુજબ ઔદ્યોગિક વિસ્તારમાં દિવસ દરમિયાન 75 અને રાત્રે 70 ડેસિબલ, કોમર્શિયલ વિસ્તારમાં 65 અને 55 ડેસિબલ, રહેણાંક વિસ્તારમાં 55 અને 45 ડેસિબલ તથા સાયલન્સ ઝોનમાં 50 અને 40 ડેસિબલની મર્યાદા નક્કી કરવામાં આવી છે.
કોઈપણ કાર્યક્રમમાં DJ કે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરતી વખતે આ મર્યાદાનું પાલન કરવું પડશે.
લગ્નપ્રસંગે પણ નિયંત્રણ
જાહેરનામામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈપણ લગ્નપ્રસંગ, વરઘોડા, ધાર્મિક કે સામાજિક કાર્યક્રમમાં DJનો ઉપયોગ નિયમો અને મંજૂરીની શરતો મુજબ જ કરી શકાશે. નિયત મર્યાદા કરતાં વધુ અવાજ કરનાર સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી શકે છે.
જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની જોગવાઈઓ હેઠળ શિક્ષાને પાત્ર થશે. અધિકારીઓને જાહેરનામાની કડક અમલવારી કરવા સૂચના આપવામાં આવી છે.
પંચમહાલ જિલ્લા તંત્રના આ નિર્ણયથી આગામી દિવસોમાં DJ અને લાઉડ સ્પીકરના વધુ પડતા અવાજ પર પોલીસની કાર્યવાહી વધુ કડક બનવાની શક્યતા છે.