ઝાલોદ FCI ગોડાઉન ખાતે ચોખાના જથ્થાને લઈ વહીવટી તંત્ર એક્શન મોડમાં

દાહોદથી ઝાલોદ આવતી ચોખાની ટ્રક અને રિક્ષાનો વીડિયો વાયરલ થતાં તપાસનો ધમધમાટ વજનમાં 165 કિલોનો તફાવત હોવાનું તંત્રનું કહેવું, CCTV તપાસથી હકીકત બહાર લાવવાની માંગ

ઝાલોદ એફ.સી.આઈ. ગોડાઉન ખાતે દાહોદથી ચોખાનો જથ્થો લઈને આવતી ટ્રકમાંથી ચોખાના કટ્ટા બારોબાર વેચાણ થયા હોવાની આશંકા ઊભી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે.મળતી માહિતી મુજબ, ગત તા. 12-08-2026, બુધવારની રાત્રિના સમયે દાહોદ FCI ગોડાઉનમાંથી ચોખાના કટ્ટા ભરીને ઝાલોદ FCI ગોડાઉન તરફ આવતી GJ-17-UU-2901 નંબરની ટ્રક બાંસવાડા બાયપાસ ચોકડી નજીક ઊભેલી જોવા મળી હતી. આ ટ્રકની આગળ અનાજના કટ્ટા ભરેલી એક રિક્ષા પણ ઊભેલી હોવાનો વીડિયો વાયરલ થયો હતો.

આ વીડિયોને પગલે ઝાલોદ FCI ગોડાઉન ખાતે પહોંચાડવાના સરકારી ચોખાના જથ્થામાંથી માલ રસ્તામાં જ બારોબાર વેચાયો હોવાની શંકા વ્યક્ત થતાં વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.બિલ્ટી મુજબ 24,250 કિલો, ઝાલોદ ખાતે વજન 24,085 કિલો

સૂત્રોના જણાવ્યા મુજબ, દાહોદથી ઝાલોદ FCI ગોડાઉન ખાતે આવતા ચોખાના જથ્થાની બિલ્ટી મુજબ ટ્રકનું વજન 24,250 કિલો દર્શાવવામાં આવ્યું હતું. જ્યારે ઝાલોદ FCI ગોડાઉન ખાતે પહોંચ્યા બાદ ટ્રકનું વજન કરવામાં આવતા તે 24,085 કિલો નોંધાયું હોવાનું જાણવા મળે છે. આમ, બંને વજન વચ્ચે આશરે 165 કિલોનો તફાવત જોવા મળ્યો હોવાનું ઝાલોદના નાયબ મામલતદાર ચિરાગ અમલીયાર દ્વારા જણાવાયું છે. આ અંગેનો રિપોર્ટ તૈયાર કરી દાહોદ ખાતે મોકલી આપવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળે છે.

રિક્ષામાં દેખાતા જથ્થાને લઈ અનેક સવાલોબીજી તરફ, નગરજનોમાં આ સમગ્ર મામલે અનેક ચર્ચાઓ ચાલી રહી છે. વાયરલ થયેલા વીડિયોમાં રિક્ષામાં જે કટ્ટાનો જથ્થો જોવા મળતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો ખરેખર સરકારી જથ્થો ગોડાઉન સુધી પહોંચાડવાના બદલે રસ્તામાંથી જ બારોબાર વેચાયો હોય તો આ ગંભીર બાબત બની શકે છે.

 જોકે, માત્ર વાયરલ વીડિયો કે ચર્ચાના આધારે કોઈ અંતિમ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નથી. વાયરલ વીડિયોની સત્યતા, ટ્રકની સમગ્ર રૂટની CCTV ફૂટેજ, બાયપાસ ચોકડી આસપાસના કેમેરા તેમજ FCI ગોડાઉનના પ્રવેશ-બહારના CCTV રેકોર્ડિંગની તપાસ કરવામાં આવે તો સમગ્ર હકીકત સ્પષ્ટ થઈ શકે છે.

 સરકારી અનાજના જથ્થા સાથે કોઈ ગેરરીતિ થઈ છે કે નહીં તે અંગે તંત્ર દ્વારા નિષ્પક્ષ અને સઘન તપાસ કરવામાં આવે અને હકીકત બહાર લાવવામાં આવે તેવી નગરજનોમાં માંગ ઉઠી રહી છે.

હવે જોવાનું એ રહેશે કે વાયરલ થયેલા વીડિયોમાં દેખાતી રિક્ષા અને ચોખાના જથ્થા અંગેની તપાસમાં શું હકીકત બહાર આવે છે અને સરકારી ચોખાના જથ્થા અંગેની સમગ્ર ઘટના પાછળ ખરેખર શું રહસ્ય છે.