લુણાવાડાના સુવા ગામે કોતર ઓવરફ્લો થતાં ગામમાં પાણી ઘૂસ્યા : વૈદ્ય પાસે દવા લેવા આવેલા ૧૦૦થી વધુ લોકો ફસાયા, ૮ મકાન પાણીમાં ગરકાવ

મહીસાગર જીલ્લામાં ભારે વરસાદને કારણે લુણાવાડાના સુવા ગામમાં કોતર ઓવરફ્લો થઈ હતી. જેથી ગામના અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. માર્ગો પર કેડસમાં પાણી ભરાઈ ગયા છે. આનાથી ગામનો સંપર્ક પ્રભાવિત થયો છે. જીલ્લાના લુણાવાડા, વીરપુર અને બાલાસિનોર સહિત કોઠંબામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.

૨૫ થી ૩૦ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા લુણાવાડાના સુવા ગામમાં નાયક ફળિયામાં પાણી ઘૂસી જતાં આશરે આઠ મકાનો ગરકાવ થયા હતા. પરિસ્થિતિની ગંભીરતા જોતાં તંત્રએ તાત્કાલિક બચાવ કામગીરી શ‚ કરી હતી. ફાયર ટીમ, સ્થાનિક તંત્ર અને વહીવટી ટીમની મદદથી અંદાજે ૨૫ થી ૩૦ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા.

ગામમાં ફસાયેલા તમામ લોકો સુરક્ષિત આ ઉપરાંત, સુવા ગામમાં આયુર્વેદિક વૈદ્ય પાસે વડોદરા સહિતના વિસ્તારોમાંથી દવા લેવા આવેલા આશરે ૧૦૦ જેટલા લોકો પણ ગામમાં ફસાયા છે. જોકે, આ તમામ લોકો સુરક્ષિત હોવાનું જણાવાયું છે. ગામ તરફ જતા માર્ગો પર પાણી ભરાઈ જવાને કારણે તેઓ બહાર નીકળી શકતા નથી. તંત્રએ ગામના સરપંચ સાથે સંકલન સાધીને આ લોકો માટે સલામત આશ્રય અને જરૂરી સુવિધાઓની વ્યવસ્થા કરાઈ છે.

વહીવટી તંત્રની ટીમો સ્થળ પર પહોંચી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મહીસાગર જીલ્લા કલેક્ટર અર્પિત સાગર, જીલ્લા પોલીસ વડા સફીન હસન, જીલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, લુણાવાડા પ્રાંત અધિકારી ઉમેશ શાહ અને લુણાવાડા મામલતદાર સહિત વહીવટી તંત્રની ટીમો સ્થળ પર પહોંચી હતી. તેઓ પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે અને રાહત-બચાવ કામગીરી પર સતત નજર રાખી રહ્યા છે.

કોઠંબામાં અનેક જગ્યાએ પાણી ભરાયા લુણાવાડા ઉપરાંત કોઠંબા તાલુકામાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. બસ સ્ટેન્ડ વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. નિચાણવાળા વિસ્તારોમાં તો દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. જેથી વેપારીઓને ખુબ હાલાકીનો સામનો કરવો પડ્યો છે. માર્ગો પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. વાહનચાલકો અને સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ કોઠંબાના રાબડીયા ગામે એક કાચું મકાન પણ ધરાશાયી થયું છે. ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે.

જીલ્લાના વિવિધ વિસ્તારોમાં મેઘમહેરથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે, જ્યારે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.