મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકાના મહેરવાળા ગામના માઈભકતને યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના દર્શન કરવા જતા પહેલા અકસ્માત નડ્યો હતો. જેમાં તેમનુ મોત નીપજતા તેમનો પરિવાર શોકમાં ડુબ્યો છે. પાવાગઢ તળેટીથી માંચી જવા માટે ખાનગી જીપમાં સવાર જઈ રહ્યા હતા. દરમિયાન ચાલુ ગાડીએ જીપનો દરવાજો ખુલી જતાં પટકાયેલા યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા ધટના સ્થળે મોત નીપજયું હતુ.
પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકાના મહેરવાળા ગામના મહેશભાઈ ઠાકોર તેમના પરિવાર સાથે ૫ોતાના ધરેથી યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શન કરવા આવ્યા હતા. પાવાગઢ તળેટી ખાતે પહોંચી માંચી સુધી જવા માટે સ્થાનિક ખાનગી જીપમાં સવાર થઈને જતા હતા દરમિયાન અડધા રસ્તે ગેટ નજીક મુખ્ય વળાંકમાં અચાનક ચાલુ જીપનો દરવાજો ખુલી જતાં મહેશભાઈ ઠાકોર રસ્તા પર ફંગોળાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવને ૫ગલે ધટના સ્થળે લોકો દોડી આવ્યા હતા. અને તાત્કાલિક ઈજાગ્રસ્ત મહેશભાઈને સારવાર અર્થે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જયાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ધટનાને પગલે નિીત નિયમો વગર બેફામ દોડતી ખાનગી જીપો પર લગામ લગાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.