
ડેરોલ રેલ્વે સ્ટેશન પર ડોગ સ્કવોર્ડ દ્વારા તપાસ હાથ ધરતા એક મુસાફર પાસેથી એક એલપીજી સિલીન્ડર મળી આવ્યો હતો. રેલ્વે પોલીસે આ બાબતે મુસાફર સામે કાર્યવાહી કરી હતી.
કાલોલના ડેરોલ સ્ટેશન પર આરપીએફ સ્ટાફ અને ડોગ હેન્ડલર સહાયક પોતાના તાલીમબદ્ધ શ્ર્વાન ‘જીકો’ સાથે જ્વલનશીલ પદાર્થોનુ સઘન ચેકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન પ્લેટફોર્મ નં.-૧ પર શ્ર્વાન ‘જીકો’ એ એક મુસાફરના સામાન પાસે જઈને ખાસ સંકેતો આપ્યા હતા. શંકા જતાં હેન્ડલરે બેગ ખોલાવીને તપાસ કરતા તેમાંથી ૫ કિ.ગ્રા.ક્ષમતાનો ભરેલો એલપીજી સિલીન્ડર મળી આવ્યો હતો. આ મામલે આગળની કાર્યવાહી માટે કેસ આરપીએફ પોસ્ટ ગોધરાને સોંપાયો હતો. તપાસમાં આવ્યુ કે, મધ્યપ્રદેશના હરિ મદનલાલ ધાકડ પોતાના પુત્ર રાજા ધાકડ સાથે સામાન્ય ટિકીટ પરડ ડેરોલથી ઉજજૈન જવા માટે ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. તેમણે ટ્રેનમાં જ્વલનશીલ સિલીન્ડર સાથે લઈ જવાની વાત સ્વિકારી હતી. આરપીએફ પોલીસે આ અંગે જરી ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બાદમાં આરોપી દ્વારા જામીન અરજી રજુ કરવામાં આવી હતી. અને નિર્ધારિત ઓૈપચારિકતાઓ ૫ુર્ણ કર્યા પછી તેને નિયમ મુજબ જામીન પર મુકત કરવામાં આવ્યો હતો.