સંતરામપુરના ટીમલા પ્રા.શાળામાં જુના ઓરડા તોડ્યા બાદ નવા ઓરડાઓ બનાવવામાં તંત્ર ઉણુ

એક તરફ સરકાર ‘સોૈ ભણે સોૈ આગળ વધે’ અને ‘ડિજિટલ ઈન્ડિયા’ના નારાઓ વચ્ચે શિક્ષણ ક્ષેત્રે કરોડોના વિકાસની ગુલબાંગો પોકારી રહી છે. તો બીજી તરફ મહિસાગર જિલ્લાના આંતરિયાળ આદિવાસી વિસ્તાર સંતરામપુર તાલુકાના ટીમલા ગામની પ્રા.શાળા વહીવટી તંત્રની ઘોર અસંવેદનશીલતા અને લાપરવાહીનો જીવંત પુરાવો બનીને ઉભી છે.

ટીમલા પ્રા.શાળામાં ધો.-૧ થી ૫ માં કુલ ૪૩ ગરીબ અને આદિવાસી બાળકો અભ્યાસ કરે છે. વર્ષ-૨૦૨૨માં નવા ઓરડાની માપણી સામે તંત્રએ ૮ મહિના પહેલા જુનો ઓરડો તોડી પાડયો પણ નવો બનાવવાનુ સાવ ભુલી જ ગયુ હોય તેવુ લાગી રહ્યુ છે. હાલ સ્થિતિ એ છે કે, આચાર્યની ઓફિસમાં જ બે વર્ગ ચલાવાય છે. જયારે ધો.-૨/૩ અને ૫ ના બાળકોને ચોમાસાના પતરાના શેડ નીચે બેસવુ પડે છે. વરસાદી પાણી અને ભેજ વચ્ચે ભણતર બગડતા વાલીઓ બાળકોને ધરે લઈ જવા મજબુર બને છે. એટલુ જ નહિ, શાળામાં મધ્યાહન ભોજન માટે શેડ કે ‚મ ન હોવાથી ભુલકાઓને ખુલ્લામાં જમીન પર બેસીને જમવુ પડે છે. અવાર નવાર કાર્યક્રમોમાં આવતા નેતાઓ વાયદા કરે છે. ત્યારે હવે જોવાનુ એ છે કે, આંતરિયાળ વિસ્તારના ગરીબ આદિવાસી બાળકોના ભણતર માટે શિક્ષણ વિભાગ કયારે ટીમલા પ્રા.શાળાને નવા ઓરડાની સુવિધા પુરી પાડે છે તેના પર સોૈની નજર છે.