
પંચમહાલ જીલ્લામાં નાસતા ફરતા ગુનેગારોને પકડી પાડવા માટે પોલીસ અધિક્ષક દ્વારા ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત પેરોલ ફર્લો સ્ક્વોડને મોટી સફળતા મળી હતી. શહેરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબીશનના ગુન્હામાં છેલ્લા કેટલાક સમયથી નાસતા ફરતા આરોપીને ખંભાત તાલુકાના જલુંદ ગામથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
પંચમહાલ-ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી તથા પંચમહાલ-ગોધરાના પોલીસ અધિક્ષક ડો. હરેશભાઈ દુધાતની સૂચના મુજબ નાસતા ફરતા આરોપીઓને પકડવા ખાસ ઝુંબેશ યોજવામાં આવી હતી. જે અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પી.એસ.આઈ. બી. એમ. રાઠોડની ટીમ તપાસમાં હતી. આ દરમિયાન પેરોલ ફર્લો સ્ક્વોડના એ.એસ.આઈ. હાર્દિકકુમાર કાનાભાઈ તથા આ.હે.કો. રમેશભાઈ વાઘજીભાઈને સંયુક્ત રીતે હ્યુમન સોર્સીસ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે, શહેરા પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુન્હામાં નાસતો ફરતો આરોપી દિનેશકુમાર ચંદુભાઈ સોલંકી રહે. જલુંદ રામજી મંદિર ફળિયું, તા. ખંભાત, જી. આણંદ હાલ પોતાના ગામ જલુંદ ખાતે હાજર છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર રેડ કરીને આરોપી દિનેશકુમારને મોજે-જલુંદ મુકામેથી ઝડપી પાડ્યો હતો. આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે તેને શહેરા પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યો હતો. પોલીસે આરોપીનો કબ્જો મેળવી કાયદાકીય કાર્યવાહી શ કરી હતી. પંચમહાલ પોલીસની આ સફળ કામગીરીને પગલે નાસતા ફરતા ગુનેગારોમાં ફાળ પડી છે.