
મહીસાગર SOG પોલીસે કોઠંબા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા આરોપી મહેશ કોદરભાઈ પરમારને છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતેથી ઝડપી પાડ્યો છે. આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે કોઠંબા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસન દ્વારા 27 ઓક્ટોબર, 2025 થી 10 નવેમ્બર, 2025 સુધી 15 દિવસીય નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે એક ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઈવ અંતર્ગત, SOG પીઆઈ વી.ડી. ધોરડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.એમ. બારીઆ, એચ.બી. સિસોદિયા અને SOG સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી રહી હતી.
તપાસ દરમિયાન, SOG પીઆઈ વી.ડી. ધોરડાને ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા ખાનગી બાતમી મળી હતી. બાતમી મુજબ, કોઠંબા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 137(2), 87, 64(2)(એમ), 65(1), 54 તથા પોક્સો એક્ટ 4, 5(એલ), 6 હેઠળ નોંધાયેલા ગુનાનો આરોપી મહેશ કોદરભાઈ પરમાર (રહે. સાલૈયા પેટે ખટારીયા, તા. વીરપુર, જિ. મહીસાગર) હાલ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે મજૂરી કરતો હતો.
આ બાતમીના આધારે, SOG પીએસઆઈ એચ.બી. સિસોદિયા, એ.એસ.આઈ. કિર્તિપાલસિંહ, હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ, અક્ષયકુમાર અને કોન્સ્ટેબલ કિર્તિપાલસિંહની ટીમે સંખેડા જઈ તપાસ કરી. ટીમને આરોપી મહેશ પરમાર મળી આવતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.
આરોપીને મહીસાગર જિલ્લામાં લાવીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે કોઠંબા પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવ્યો છે.