ફતેપુરા તાલુકાના અંદાજિત ૪૫ જેટલા ગામોના ખેડુતો વતી એક ખેડુતે મુખ્યમંત્રી સહિત કેન્દ્ર અને રાજય સરકારના સંબંધિત વિભાગોને પાક ધિરાણ માફી અને વિશેષ રાહત પેકેજની માંગ સાથે લેખિત રજુઆત કરી છે. ખેડુતોની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખી તાત્કાલિક નિર્ણય લેવા અપીલ કરવામાં આવી છે.
ફતેપુરા તાલુકાના કંકાસિયા, નાની નાંદુકોણ, જતનના મુવાડા, મોટી નાંદુકોણ, બારીયાની હાથોડ, બાવાની હાથોડ, સહિત અંદાજિત ૪૫ જેટલા ગામોના ખેડુતો વતી એક ખેડુતે રાજય મુખ્યમંત્રી, કેન્દ્રિય કૃષિમંત્રી, રાજયના કૃષિમંત્રી તેમજ સંબંધિત વિભાગોને લેખિત રજુઆત કરી છે. રજુઆતમાં જણાવ્યુ છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી અનિયમિત વરસાદ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, વાવાઝોડા, જીવાતોના ઉપદ્રવ અને રખડતા ૫શુઓના કારણે ખેડુતોને સતત પાક નુકસાનીનો સામનો કરો પડી રહ્યો છે. બીજી તરફ બીજ, ખાતર, જંતુનાશક દવાઓ, ડિઝલ, વીજળી, મજુરીમાં ખર્ચમાં સતત વધારો થતાં ખેતીનો ખર્ચ વધી ગયો છે. જયારે પાકના યોગ્ય વળતર અને પોષણક્ષમ ભાવ ન મળતા નથી. પરિણામે ખેડુતો પર પાક ધિરાણ સહિત અન્ય દેવાનો બોજ સતત વધી રહ્યો હોવાનુ રજુઆતમાં જણાવાયુ છે. દેવાના ભાર હેઠળ ખેડુતો માનસિક તણાવ અનુભવી રહ્યા છે. કેટલાક કિસ્સાઓમાં આત્મહત્યા જેવા દુ:ખદ બનાવો પણ સામે આવી રહ્યા હોવાનુ પણ રજુઆતમાં ઉલ્લેખાયુ છે. રાજયના તમામ જરિયાતમંદ ખેડુતોનુ પાક ધિરાણ માફ કરી વિશેષ રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેમજ ખેડુતોના હિતમાં તાત્કાલિક નિર્ણય લેવામાં આવે તેવી માંગ રજુઆતમાં કરવામાં આવી છે.