શહેરા તાલુકાની પાંચ પ્રાથમિક શાળામાં સહયોગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક કીટ અપાઈ

શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના બાળકોના ઉત્કર્ષ અને સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્યમાં પ્રોત્સાહન પૂરું પાડવાના ઉમદા આશય સાથે સહયોગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક કીટ અને બે-બે ચોપડાઓનું વિતરણ કરવાનો એક પ્રશંસનીય સેવાયજ્ઞ હાથ ધરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત તાલુકાની ચોરા ફળિયા પ્રાથમિક શાળા, જોધપુર પ્રાથમિક શાળા, નાયક ફળિયા શાળા, શેખપુર પ્રાથમિક શાળા તેમજ હોંસેલાવ મુખ્ય પ્રાથમિક શાળા સહિત અન્ય પ્રાથમિક શાળાઓના  વિદ્યાર્થીઓને સીધો લાભ આપી મદદરૂપ થવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

શહેરા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી  કૃણાલ હઠીલા અને બી.આર.સી. કો-ઓર્ડિનેટર રાકેશભાઈ પટેલના ઉમદા માર્ગદર્શન હેઠળ તેમજ  શિક્ષક ભવાનસિંહ ચૌહાણના પ્રયત્નોથી સહયોગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક શાળાઓ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ  કાર્યક્રમમાં સહયોગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન  કૃપાલસિંહજી પરમારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ અંતર્ગત તાલુકાની ચોરા ફળિયા પ્રાથમિક શાળા, જોધપુર પ્રાથમિક શાળા, નાયક ફળિયા શાળા, શેખપુર પ્રાથમિક શાળા તેમજ હોંસેલાવ મુખ્ય પ્રાથમિક શાળાના તમામ જરૂરિયાતમંદ બાળકોને સાંકળી લઈ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોતાના અભ્યાસ માટે ઉપયોગી સાધનો અને ચોપડાઓ મળતા જ નાનાં-નાનાં ભૂલકાઓના ચહેરા પર અનોખી ખુશી અને સ્મિત જોવા મળ્યું હતું.આ પ્રેરણાદાયી પ્રસંગે સહયોગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સક્રિય સભ્યો  હાર્દિકભાઈ પટેલ, પ્રકાશભાઈ પરમાર તેમજ ભુપેન્દ્રભાઈ પરમાર વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત, સમગ્ર આયોજનમાં કડીરૂપ ભૂમિકા ભજવનાર સેવાભાવી શિક્ષક  ભવાનસિંહ ચૌહાણ તેમજ સી.આર.સી. કો-ઓર્ડિનેટર  નટવરસિંહ ચૌહાણ પણ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

કાર્યક્રમના અંતે હોંસેલાવ મુખ્ય પ્રાથમિક શાળાના આચાર્ય સુરેશભાઈ પટેલે ટ્રસ્ટની આ ઉમદા કામગીરીને બિરદાવી હતી. તેમણે શાળા પરિવાર વતી સહયોગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સેવાભાવી દાતાઓ અને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહયોગ આપનાર તમામ મહાનુભાવોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.