કાલોલ નગરપાલિકા વિસ્તારમાં ચાલતી લોલમલોલ કામગીરી અને ભ્રષ્ટાચારના કારણે સ્થાનિક રહિશો તેમજ વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નગરમાં બિસ્માર રસ્તાઓના લીધે અવાર નવાર વાહનો રોડમાં ખુંપી જવાના બનાવો બની રહ્યા છે.
જેમાં કાલોલ નગરમાં પ્રવેશતા અર્બન હેલ્થ સેન્ટર નજીક અચાનક રોડ બેસી જતાં એક ટ્રકનુ પાછળનુ વ્હિલ અંદર ખુંપી ગયુ હતુ. આ પુર્વે પણ પટેલ ફળિયા પાસે ગટરના નાળામાં ટ્રક અને શેઠ ફળિયા પાસે ઈંટો ભરેલ ટ્રેકટર ધસી જવાના બનાવો બન્યા છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ પાલિકા તંત્રમાં ચાલતી મિલીભગત અને ભાગબટાઈની નિતીના કારણે વિકાસના કામોની ગુણવત્તા કથળી છે. ચુંટણી સમયે જ્ઞાતિ-ધર્મના નામે મેળવ્યા બાદ સત્તાધિશો પ્રજાની અપેક્ષાઓ પર ઉતર્યા નથી. ચોમાસાની ઋતુમાં જોખમી ખાડાઓ પુરવાનો પણ પાલિકા પાસે સમય ન હોવાથી પ્રજાના ટેકસના પૈસાનુ પાણી થતું જોઈ જનતામાં નારાજગી વ્યાપી છે.