મહીસાગર જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ:બાલાસિનોરમાં સૌથી વધું 5.78 ઇંચ,લોકોને ગરમીથી રાહત

મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેરમાં બુધવાર રાત્રે 10 વાગ્યા બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આ વરસાદથી લોકોને ગરમી અને બફારામાંથી રાહત મળી છે. છેલ્લા કેટલાક દિવસોથી પ્રવર્તી રહેલી અસહ્ય ગરમી અને બફારાથી લોકો પરેશાન હતા. વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

બુધવારની રાત્રે મહીસાગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં બાલાસિનોરમાં સૌથી વધુ 5.78 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને કેટલાક સ્થળોએ લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

જિલ્લાના કોઠંબા વિસ્તારમાં 1 ઇંચ, લુણાવાડામાં 19 MM, વીરપુરમાં 11 MM, ગોધરમાં 9 MM અને ખાનપુરમાં 3 MM વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને છેલ્લા ઘણા દિવસોથી ઉકળાટ તથા બફારાથી ત્રસ્ત લોકોને રાહત મળી હતી. બીજી તરફ, ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે, કારણ કે ચોમાસાની શરૂઆત સાથે ખેતીકાર્યોને વેગ મળવાની આશા જાગી છે.

હવામાન વિભાગ દ્વારા મહીસાગર જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ આગાહી મુજબ, બુધવાર રાત્રે બાલાસિનોર શહેરમાં વરસાદ શરૂ થયો હતો. શહેરના માર્ગો ભીના બન્યા હતા અને ગરમીથી કંટાળેલા લોકોને મોટી રાહત મળી હતી.

બાલાસિનોર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદી ઝાપટાં પડ્યાના અહેવાલો છે. વરસાદથી વાતાવરણ ખુશનુમા બન્યું છે. જોકે, હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે, જેના કારણે ખેડૂતો સહિત લોકોની નજર હવે આગામી વરસાદી સ્થિતિ પર ટકેલી છે.