
જી ૭ સમિટમાં, નેતાઓએ યુક્રેનને હવાઈ સંરક્ષણ અને લાંબા અંતરની મિસાઇલ સિસ્ટમ સહિત વધુ શસ્ત્રો પૂરા પાડવાનું વચન આપ્યું છે. તેઓએ રશિયાના તેલ અને ગેસ ક્ષેત્ર પર વધુ કડક પ્રતિબંધો લાદવાની તૈયારી પણ વ્યક્ત કરી છે. આનો અર્થ એ છે કે ભવિષ્યમાં ભારતની સમસ્યાઓ વધુ વણસી શકે છે. જી ૭ નેતાઓએ સંયુક્ત નિવેદન બહાર પાડીને હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ અને લાંબા અંતરની મિસાઇલો સહિત વધુ શસ્ત્રો મોકલવાનું વચન આપ્યું છે. તેમણે એ પણ સંકેત આપ્યો કે રશિયાના ઉર્જા ક્ષેત્ર પર કડક કાર્યવાહી કરવાનો “યોગ્ય સમય” છે.
જી ૭ નેતાઓ છેલ્લા બે દિવસથી ફ્રાન્સના એવિયન-લેસ-બેન્સમાં છે. મંગળવારે રાત્રે, તેઓએ “યુક્રેનની સ્વતંત્રતા, સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના સંરક્ષણ માટે અતૂટ સમર્થન” દર્શાવતા નિવેદનને સમર્થન આપ્યું. નિવેદનમાં યુદ્ધના મેદાનમાં યુક્રેનની નવી ગતિની પ્રશંસા કરવામાં આવી હતી અને હવાઈ સંરક્ષણ ક્ષમતાઓ, વધારાની સિસ્ટમો અને ઇન્ટરસેપ્ટર્સ તેમજ લાંબા અંતરની ક્ષમતાઓનો પુરવઠો વધારીને તે ગતિ જાળવી રાખવાનું વચન આપવામાં આવ્યું હતું.
યુરોપ યુક્રેનનું મુખ્ય સમર્થક છે, અને તાજેતરના અંદાજ મુજબ, ૨૦૨૨ માં પૂર્ણ-સ્તરીય આક્રમણ શરૂ થયું ત્યારથી યુક્રેનને કુલ ૨૦૦ અબજ યુરો લશ્કરી અને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે. વધારાની ૯૦ અબજ યુરો લોન પણ પૂરી પાડવામાં આવી છે, જે આ મહિને આવવાનું શરૂ થશે. કુલ સહાયમાં યુએસ આશરે ૧૧૫ અબજ યુરોનું યોગદાન આપે છે. વધુમાં, ય્૭ નેતાઓ કહે છે કે તેઓ કિવ માટે લશ્કરી ઉત્પાદન લાઇસન્સ લંબાવવા “વિચારવા તૈયાર” છે, જેને યુએસ-નિર્મિત પેટ્રિઅટ એન્ટી-બેલિસ્ટીક મિસાઇલ સિસ્ટમ્સની સખત જરૂર છે.
જી ૭ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અમે રશિયાના યુદ્ધ-આધારિત અર્થતંત્ર પર દબાણ વધારવાનો સંકલ્પ કરીએ છીએ. આ સંદર્ભમાં, અમે તેલ અને ગેસ ક્ષેત્ર પર લાદવામાં આવેલા પ્રતિબંધો સહિત, અમારા પ્રતિબંધોને વધુ મજબૂત બનાવીશું.” મંગળવારે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે વોશિંગ્ટન ટૂંક સમયમાં રશિયન ઊર્જા નિકાસ પર પ્રતિબંધો ફરીથી લાદવાની સ્થિતિમાં હશે જે અસ્થાયી રૂપે હટાવી લેવામાં આવ્યા હતા, કારણ કે યુએસ અને ઈરાન વચ્ચેના નવા માળખા કરારથી હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા શિપિંગ ફરી શરૂ થવાની અને વૈશ્વીક ઊર્જા સંકટને હળવું કરવાની અપેક્ષા છે.
યુરોપિયન યુનિયનએ રશિયા સામે પહેલાથી જ ૨૧ પેકેજ પ્રતિબંધો લાદ્યા છે. આ મહિનાની શરૂઆતમાં લાગુ કરાયેલ સૌથી તાજેતરનું પેકેજ, મોસ્કોના તેલ વેચાણ અને કહેવાતા “શેડો ફ્લીટ” (ગુપ્ત રીતે કાર્યરત જહાજાનો કાફલો) ને લક્ષ્ય બનાવે છે. જી ૭ નિવેદનમાં ઊર્જા સ્થિતિસ્થાપકતાના મહત્વ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો અને આગામી શિયાળાનો સામનો કરવામાં યુક્રેનને મદદ કરવાનું વચન આપવામાં આવ્યું હતું, કારણ કે રશિયા સામાન્ય રીતે કઠોર શિયાળા દરમિયાન દેશના ઊર્જા માળખાને નિશાન બનાવે છે