દાહોદ જિલ્લાના દે.બારીઆ તાલુકાના મોટી ખજુરી ગામે પરિણીતાનુ ગળુ દબાવીને કરાયેલી હત્યાના ચર્ચાસ્પદ કેસમાં લીમખેડાની એડિ.સેશન્સ કોર્ટે આરોપી પતિને આજીવન કેદની સજા ફટકારી કડક વલણ અપનાવ્યુ હતુ. કોર્ટે આરોપી દિલીપભાઈ મંગાભાઈ બારીયાને પત્નિ મંજુલાબેનની હત્યાના ગુનામાં દોષિત ઠેરવી આજીવન કારવાસ અને .૧૦,૦૦૦ના દંડની સજા સંભળાવી હતી. જો દંડ ન ભરે તો વધુ ૧ વર્ષની સખ્ત કેદ ભોગવવાનો હુકમ કર્યો હતો.
ધટનાની વિગતો મુજબ ૧૭ નવેમ્બર ૨૦૨૪ના રોજ મંજુલાબેનનો ફાંસો ખાધો હોવાની જાણ થતાં પિયરપક્ષના લોકો મોટી ખજુરી ગામે પહોંચ્યા હતા.મૃતદેહ પર ઈજાના શંકાસ્પદ નિશાન જોતા પરિવારે પોલીસ તપાસની માંગ કરી હતી. દાહોદ ઝાયડસ હોસ્પિટલના ફોરેન્સક પી.એમ.રિપોર્ટમાં ખુલાસો થયો કે, મંજુલાબેનનુ મોત ફાંસો ખાવાથી નહિ પરંતુ ગળુ દબાવવાના કારણે અને માર મારવાથી થયુ હતુ. પોલીસ તપાસમાં સામે આવ્યુ કે, આરોપી પતિને તેના ભાઈની પત્નિ સાથે આડાસંબંધો હતા. જેનો વિરોધ કરવા બદલ મંજુલાબેનને ત્રાસ આપી આખરે મોતને ધાટ ઉતારી દેવાઈ હતી. લીમખેડાના એડિ.સેશન્સ જજ એચ.એચ.ઠકકરની અદાલતમાં આ કેસ ચાલી જતાં સરકારી વકીલ એસ.બી.ચોૈહાણની ધારદાર દલીલો અને મજબુત વૈજ્ઞાનિક પુરાવાઓને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીનો જેલમાં ધકેલી દીધો હતો.