દહેજમાં ભૂગર્ભ ગટરની સફાઈ માટે ઊતરેલા ત્રણ કામદારોના ગૂંગળાઈ જતા મોત

ભરૂચ,ભરૂચના દહેજમાં ભૂગર્ભ ગટરની સફાઈ માટે ઊતરેલા ચાર કામદારોમાંથી ત્રણ કામદારોનાં ગૂંગળાઈ જવાથી મોત નીપજતા ચકચાર મચી છે. ચારેય કામદારો ભૂગર્ભ ગટરની સફાઈ માટે એકબીજાના હાથ પકડીને ગટરમાં ઊતર્યા બાદ ગૂંગળાઈ જવાથી ત્રણનાં મોત નીપજ્યાં હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ચોથા કામદારને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

દહેજમાં આજે ભૂગર્ભ ગટરની સફાઈ માટે ચાર કામદારો ગટરમાં ઊતર્યા હતા. જેમાં ત્રણ કામદારોને ઝેરી ગેસની અસર થતાં ગૂંગળાઈ જવાથી મોત નીપજ્યાં છે. જ્યારે અન્ય એક કામદારને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. કામદારોના મોતના પગલે ઘટનાસ્થળે હોબાળો મચ્યો હતો. હાલ ફાયર બ્રિગેડ અને પોલીસના સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક કામદારોના નામ: ગલસીંગભાઈ વરસીંગભાઈ મુનિયા (ઉ.વ.૩૦),પરેશ ખુમસિંગ કટારા (ઉ.વ.૩૦),અનીફ જાલુભાઈ પરમાર (ઉ.વ.૨૪)નો સમાવેશ થાય છે

એ યાદ રહે કે આ પહેલા રાજકોટના સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ મેઇન રોડ પર ગોકુલધામ ગેટ સામે ૧૨ દિવસ પહેલાં ભૂગર્ભ ગટરની સફાઇ વખતે ગેસ ગળતરથી શ્રમિક મેહુલ મેસડા અને કોન્ટ્રાક્ટર અફઝલભાઇ ફુફરનું મોત નીપજ્યું હતું. આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. જેમાં પ્રથમ શ્રમિક મેહુલ ભૂગર્ભ ગટરમાં ઊતર્યો હતો પરંતુ ગૂંગળામણને કારણે બેભાન થઈ તે ગટરમાં જ પડી ગયો હતો. બાદમાં કોન્ટ્રાક્ટર અફઝલભાઈ તેને બચાવવા ભૂગર્ભ ગટરમાં ઊતર્યા હતા. થોડીવાર બાદ બન્નેના ભૂગર્ભ ગટરમાં જ મોત થતા અન્ય શ્રમિકોમાં દોડધામ મચી હતી.

જયારે ચાર દિવસ પહેલાં વલસાડ જિલ્લાના ઉમરગામમાં એક ચાલીના ખાળકૂવાની સફાઈ માટે ગયેલા ચાલીના માલિક અને એક ભાડુઆતનું ખાળકૂવામાં પડી જતાં મોત નીપજ્યાં હતાં. ઉમરગામ શહેરમાં ગંગાનગર મંદિર ફળિયામાં આવેલી એક ચાલીનો ખારકૂવો ભરાઈ જતાં તેનું પાણી આજુબાજુમાં નીકળવા લાગ્યું હતું. જેની ફરિયાદ ચાલીના માલિકને કરતા ચાલીના માલિકે તાત્કાલિક ખારકૂવો ચેક કરવા જતાં અંદર પટકાયા હતા. તેને બચાવવા જતા ૨ ભાડુઆત ખારકૂવામાં પડ્યા હતા. તાત્કાલિક બહાર ઊભેલા ભાડુઅતોએ બૂમાબૂમ કરતા સ્થાનિક લોકોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને ખારકૂવામાં પડેલા ત્રણેય ઇસમોને બહાર કાઢી નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તબીબે.ચાલી માલિક અને એક ભાડુઆતને ખારકૂવામાં થયેલી ગેસની અસરને લઈને મોત થયું હોવાનું જણાવ્યું હતું.