
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ઘુસર ગામે ગેરકાયદેસર રેતી ખનન રોકવા ગયેલી ખાણ ખનિજ વિભાગની ટીમ પર હુમલો થયો છે. ગોમા નદીના પટમાં ખનન રોકવા પહોંચેલી ટીમ પર ખનીજ માફિયાઓએ લાકડીઓ અને પાવડા વડે હુમલો કર્યો હતો, જેમાં બે અધિકારીઓ ઇજાગ્રસ્ત થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કાલોલના ઘુસર ગામ પાસેથી પસાર થતી ગોમા નદીમાં લાંબા સમયથી ગેરકાયદેસર રેતી ખનન ચાલતું હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે ખાણ ખનિજ વિભાગની ટીમ તપાસ અને કાર્યવાહી કરવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમ નદીના પટમાં પહોંચતા જ ખનીજ માફિયાઓની ટોળકીએ તેમના પર હિંસક હુમલો કર્યો હતો.

આ હુમલામાં માઇન સુપરવાઇઝર કેયુરભાઈ સાંજેલીયા અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર કર્મરાજ જાડેજા ઘાયલ થયા હતા. હુમલા બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. ઇજાગ્રસ્ત બંને અધિકારીઓને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.માઈન સુપરવાઈઝર કેયુર સાંજલિયાએ જણાવ્યું કે, અમે તપાસ કરવા ગયા ત્યારે ત્યાં 5-6 ટ્રેક્ટરો હતા. પરમિટ માંગતા તેઓ ભાગવાની ફિરાકમાં હતા અને અચાનક પાવડા તથા ધોકા વડે અમારા પર હુમલો કર્યો હતો.

રોયલ્ટી ઈન્સ્પેક્ટર કર્મરાજ જાડેજાએ જણાવ્યું કે, નદીના બ્રિજ પાસે ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાની બાતમી મળતા આકસ્મિક તપાસ માટે ગયા હતા. આશરે 10 થી 15 લોકો (જેમાં 5-7 મુખ્ય શખ્સો અને અન્ય ઉશ્કેરણી કરનાર લોકો) દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ પાવડા અને પથ્થરો વડે હુમલો કર્યો હતો.સરકારી અધિકારીઓ પર થયેલા આ હુમલાને પગલે જિલ્લા વહીવટી તંત્રમાં ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે.