અમદાવાદ એએમસી ચૂંટણી,‘પાકિસ્તાન એન્ટ્રી’ નિવેદનથી વિવાદ,ભૂષણ ભટ્ટ બોલ્યા-ખાડિયા અખંડ રહેશે

ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે રાજકીય ચહલપહલ તેજ બની છે. રાજ્યમાં ૨૬ એપ્રિલે યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરવામાં આવી છે.

જિલ્લા અને શહેર સ્તરે સંકલનકારો દ્વારા દરેક બેઠક માટે ૩થી ૪ નામોની પેનલ તૈયાર કરવામાં આવી છે. આ પેનલમાંથી અંતિમ ઉમેદવારના નામ પર પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ મહોર મારશે.ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકા માટે ચાર બેઠકો માટે કુલ ૧૨ નામોની પેનલ તૈયાર કરવામાં આવી છે, જે ભાજપ માટે પસંદગી પ્રક્રિયાને વધુ સ્પર્ધાત્મક બનાવે છે.

આ વચ્ચે ખાડિયા વિસ્તારમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. જમાલપુર-ખાડિયા બેઠકના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ દ્વારા આપેલા નિવેદને ચર્ચા જગાવી છે. તેમણે જણાવ્યું કે, “ચૂંટણીઓ વખતે કેટલાક તત્વો ઇલેક્શન ટુરિઝમ શરૂ કરે છે, પરંતુ ખાડિયાની એકતા અખંડ છે અને તેને ખંડિત થવા નહીં દઈએ.” તેમણે ભાજપના કાર્યકરોને એકતા જાળવી રાખવા અને વિસ્તારની ઓળખ જાળવવા માટે સંકલ્પ લેવા પણ આહ્વાન કર્યું.સૂત્રોના જણાવ્યા મુજબ, ભાજપ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી ૯ એપ્રિલે જાહેર થઈ શકે છે. આ યાદીમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવી મહાનગરપાલિકાઓના ઉમેદવારોના નામ સામેલ રહેવાની શક્યતા છે.ઉલ્લેખનીય છે કે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ ૧૧ એપ્રિલ છે, જેને ધ્યાનમાં રાખીને ભાજપ ઉમેદવારોની જાહેરાત ઝડપથી કરવા માગે છે.