દાહોદ થી કતવારા વચ્ચે અમદાવાદ ઇન્દોર હાઈવે પર સળિયા દેખાય તેટલા ઊંડા ખાડાથી અકસ્માતનો ભય વધ્યો

સારા સારા અને મજબૂત રસ્તાની સુવિધા આપ્યા વિના તગડો ટોલટેક્સ વસૂલવો કેટલો વ્યાજબી.

આ મુદ્દે નેશનલ હાઈવે ઓથોરિટીના કાન આમળવાની તાતી જરૂર, સિમેન્ટના રોડ પર પડેલ ખાડાઓમાં ડામર પુરવો કેટલો યોગ્ય?

દાહોદ શહેર સહિત જીલ્લા તેમજ રાજયમાં આ વર્ષે મેઘરાજાની વધુ પડતી મહેરને કારણે કેટલીક જગ્યાએ! મકાનો ડુબ્યા, કેટલીક જગ્યાએ ગામના ગામ તણાયા, કેટલીક જગ્યાએ નદીઓએ ગાન્ડી તૂર બની વિના વેર્યો. પરંતુ મોટાભાગના રસ્તાઓની દૂર્દશા કરતા રાજ્યના મોટાભાગના હાઈવે રોડ તૂટ્યા છે. જેના કારણે વાહન ચાલકોની ડ્રાઇવિંગ કરવામાં મુશ્કેલીઓ વધી છે. અને પોતાના વાહનને ખાડાને કારણે થતું નુકસાન અટકાવવા જતા અકસ્માતનો ભોગ બનવા લાગતા અકસ્માત નો ભય પણ વધવા પામ્યો છે. તેની સામે જવાબદાર એવી નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા રસ્તા ના સમારકામ કરાવ્યા વિના આવા ખાડા ટેકરા વાળા ઉબડ ખાબડ રસ્તા પર દોડતા વાહનોનો ટોલટેક્સ માફ કરવાન જગ્યાએ તગડો ટોલટેક્સ વસૂલવાનું તો ચાલુ જ રાખ્યું છે. ચોમાસાએ વિદાય લીધાને બે માસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં અમદાવાદ-ઈન્દોર નેશનલ હાઈવેના દાહોદ-કતવારા વચ્ચેના રોડ પર થોડે થોડે અંતરે હાઇવે તૂટતા રોડ પર ખાડા પડી ગયા છે અને કેટલીક જગ્યાએ તો રોડ એટલી હદે તૂટ્યો છે કે, જેમાં રોડની અંદરના સળિયા બહાર આવી ગયા છે. જે અકસ્માતનો ભય વધારી રહ્યા છે. આ ખાડાઓને કારણે માર્ગ અકસ્માતોની સંખ્યામાં એકદમ વધારો જોવા મળી રહ્યો છે. આરસીસીના આ મજબૂત રોડ પર પડેલા ખાડાઓ પુરવા કોન્ટ્રાક્ટર દ્વારા ડામરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંતુ સિમેન્ટ સાથે ડામર ચોંટતો ન હોવાને કારણે તે ખાડામાં ભરેલ ડામર ઉખડી ગયો છે અને તે ખાડા જેવા હતા તેવા થઈ ગયા છે. નેશનલ હાઇવે ઓથોરિટી ના અધિકારીઓને હાઇવે પર ના ખાડા પૂરવામાં રસ નથી તેઓને તો માત્ર તગડો ટોલટેક્સ વસુલવામાં જ રસ હોય તેવું લાગી રહ્યું છે. જેથી આ મુદ્દે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓના – કાન આમળવાની તાતી જરૂર છે.

દાહોદ થી મધ્યપ્રદેશ તરફ અને અમદાવાદ તરફ જતા હાઇવે પર પડેલા ખાડાઓ પુરી રોડનું સમારકામ સત્વરે હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.