દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કરોડિયા પુર્વ ગ્રામ પંચાયતમાં સરકારી નાણાંની ગંભીર ઉચાપતનો મામલો સામે આવ્યો છે. તપાસમાં બહાર આવ્યુ છે કે, મોટાગડા પ્રાથમિક શાળામાં કમ્પાઉન્ડ વોલનુ કામ અગાઉથી જ સરકારની અન્ય યોજના હેઠળ ચાલતુ હતુે. આમ છતાં મહિલા તલાટી કમ મંત્રી કે.આર.પંચાલ દ્વારા આ જ કામને નાણાંપંચની યોજનામાં દર્શાવી ખોટી રીતે નાણાં મેળવવાની પેરવી કરાઈ હતી. તલાટી પંચાલ દ્વારા કમ્પાઉન્ડ વોલના કામની વહીવટી મંજુરી માટે દરખાસ્ત મોકલી હતી. આ કામ અન્ય યોજનામાં ચાલતુ હોવા છતાં તેમણેકામ અન્ય યોજનામાં બેવડાતુ નથી. તેવા ખોટા પ્રમાણપત્રો અને દસ્તાવેજો તૈયાર કર્યા હતા. આ દસ્તાવેજોના આધારે તાલુકા કક્ષાએથી નાણાંની ચુકવણીની મંજુરી મેળવી લીધી હતી. અને ત્યારબાદ પોતાની ડિઝિટલ-કી લગાવીને નાણાંનુ ચુકવણુ કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્યુ હોવાનુ તપાસમાં ફલિત થયુ છે. નાયબ જિલ્લા વિકાસ અધિકારી(મહેકમ)દ્વારા બહાર પાડવામાં આવેલા હુકમ મુજબ તલાટી કે.આર.પંચાલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તપાસ દરમિયાન તેઓ પુરાવા કે સાક્ષીઓ સાથે છેડછાડ ન કરે અથવા રેકર્ડને નુકસાન ન પહોંચાડે તે હેતુથી તેમનુ હેડ કર્વાટર ફતેપુરાથી બદલીને દે.બારીઆ ખાતે ફિકસ કરવામાં આવ્યુ છે. તેમને ટીડીઓની લેખિત પરવાનગી વિના હેડ કર્વાટર છોડવા પર સખ્ત મનાઈ ફરમાવવામાં આવી છે.