
બગોદરા તરફ લઈ જવાતા રૂા. 74. 10 લાખના વિદેશી દારૂ સાથે ટ્રક પકડી
જીલ્લા પોલીસ તંત્રમાં દારૂ પકડવાની હોડ જામી હોય તેવો માહોલ.
કતવારા પોલીસે ખંગેલા ચેકપોસ્ટ પરવાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ લાગતી ગુજરાત પાસીંગની ટાટા કંપનીની ટ્રક ઉભી રખાવી ગાડીની તલાસી લઈ ગાડીમાં ભરેલ પશુ આહાર દાણનાકાઓની આડમાં સંતાડીને લઈ જવાતા અલગ અલગ બ્રાન્ડના વિદેશી દારૂની રૂપિયા 74.10 લાખની કિંમતની પેટીઓ નંગ-505 પકડી પાડી કબજે લઈ તેના ચાલકની અટકાયત કર્યાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. ઠંડીની મોસમમાં વિદેશી દારૂની વધતી માંગ તથા રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશ જેવા પડોશી રાજ્યોમાં થી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂ વાયા દાહોદ ઝાલોદ થઈ ગુજરાતના અન્ય જીલ્લાઓમાં સપ્લાય કરવાની બુટલેગરોની પ્રવૃત્તિ તેજ બનતા સકીય બનેલ દાહોદ જીલ્લા પોલીસમાં જાણે દારૂ પકડવાની હોડ લાગી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. ગઈકાલે જ એલસીબી પોલીસે જીલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએથી રૂપિયા બે કરોડ ઉપરાંત ની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થા સાથે રૂપિયા 40 લાખની કિંમતની ચાર જેટલી ગાડીઓ પકડી ગુજરાતમાં દારૂની રેલમેલ કરવાની બુટલેગરોની આશાઓ પર પાણી ફેરવી નાખ્યું હતું. આ વાતને હજી 24 કલાક જ વિત્યા છે, ત્યાં તો કતવારા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ગુજરાત અને મધ્યપ્રદેશ ની સરહદે આવેલ ખંગેલા ચેકપોસ્ટ પર કતવારા પોલીસ સ્ટેશનના પીઆઇ યુએમ ગાવીત પોતાના સ્ટાફના પોલીસ કર્મી એ.એસ.આઈ ભુપેન્દ્રભાઈ પર્વતભાઈ, પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ કાળુભાઈ, ગૌતમસિંહ ફુલસિંહ, સુરેશભાઈ ગુલસીંગભાઈ તથા પ્રતાપભાઈ માનજીભાઈ વગેરેને સાથે લઈ વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન મધ્યપ્રદેશના પીટોલ બાજુથી રાત્રિના નવેક વાગ્યાના સુમારે આવેલ જીજે-10-ઝેડ-8959 નંબરની બંધ બોડીની ટાટા કંપનીની ટ્રક વાહન ચેકિંગમાં ઉભેલ પોલીસને શંકાસ્પદ લાગી હતી. જેથી પોલીસે તે ટ્રકને હાથનો ઈશારો કરી ઉભી રખાવી હતી અને ટ્રકમાં શું ભરેલ છે, જે બાબતે ડ્રાઈવર ને પૂછતા ડ્રાઈવરે પશુ આહાર દાણના કટ્ટા ભરેલ હોવાનું જણાવતા અને ગલ્લા તલ્લા કરતા જણાવ્યું હતું. જેથી પોલીસે સદર ટ્રક ડ્રાઈવરને ઉતારી તેનું નામ પૂછતા પોતાનું દીવરાણીયા(મેર) હાલ રહેવાસી બગોદરા (બગોદરા પોલીસ સ્ટેશનની બાજુમાં), મૂળ રહેવાસી બોખીરા નારાયણ નગર તા.જી. પોરબંદર હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે તે ટ્રકમાં ઉપર ચડીને જોતા તેમાં ભારતીય બનાવટનો પ્રોહિ મુદ્દા માલ પશુ આહારની આડમાં છુપાયેલો જોવા મળતાં પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ-9,090 ભરેલ પેટીઓ નંગ-505 પકડી પાડી ટાટા ટ્રકના ડ્રાઈવર રામાભાઈ નાગા ભાઈ દીવરાણીયા(મેર)ની અટકાયત કરી તેની પાસેથી રૂપિયા 10 હજારની કુલ કિંમતના બે મોબાઈલ ફોન પકડી પાડી સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા 15 લાખની કિંમતની ટાટા ટ્રક તથા ટ્રક માંથી કબજે લીધેલ રૂપિયા 13, 250/- ની કુલ કિંમતના પશુ આહાર દાણના કટ્ટા નંગ-53 મળી કુલ રૂપિયા 89, 33, 250/-નો મુદ્દા માલ પકડી પાડી કબજે લઈ ટ્રકના ચાલક વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી સદર ટ્રકમાં પ્રોહી મુદ્દામાલ ક્યાંથી ભર્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે બાબતે પૂછપરછ હાથ ધરી છે.