9મી ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ

ભ્રષ્ટાચારનો વિરોધ એક સામૂહિક જવાબદારી.

ભ્રષ્ટાચાર મુક્ત વિશ્ર્વ તરફનું સામૂહિક પગલું.

નૈતિકતા અને પારદર્શિતાનો વૈશ્ર્વિક સંદેશ.

દર વર્ષે 9મી ડિસેમ્બર સમગ્ર વિશ્ર્વ ‘આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ’ તરીકે ઉજવે છે. આ દિવસ ભ્રષ્ટાચારના વિરોધમાં એકતા દર્શાવવાનો અને પારદર્શિતાને મજબૂત કરવાની દ્રઢ પ્રતિબદ્ધતા વ્યક્ત કરવાનો અવસર છે. આ દિવસ ભ્રષ્ટાચારના વૈશ્ર્વિક સંકટ વિશે જાગૃતિ લાવવા અને તેને રોકવા માટેના સંયુક્ત પ્રયાસોને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરૂં પાડે છે. તે માત્ર એક દિવસની ઉજવણી નથી, પરંતુ નૈતિકતા, પારદર્શિતા અને જવાબદારીના મૂલ્યોને પુન:સ્થાપિત કરવા માટેની વૈશ્ર્વિક હાકલ છે.

આ દિવસ સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા 31 ઓક્ટોબર,2003 નારોજ અપનાવવામાં આવેલા યુનાઇટેડ નેશન્સ ક્ધવેન્શન અગેઇન્સ્ટ કરપ્શન UNCACને યાદ કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યો હતો. UNCACભ્રષ્ટાચાર સામે લડવા માટેનું એકમાત્ર કાયદેસર રીતે બંધનકર્તા વૈશ્ર્વિક સાધન છે, જે આ મુદ્દાની ગંભીરતા દર્શાવે છે.

આ વર્ષે (2025)ની થીમ છે.Uniting with Youth Against Corruption : Empowering the Future. યુવા પેઢીને ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશમાં સક્રિય ભાગીદાર બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ભ્રષ્ટાચાર એ માત્ર આર્થિક નુકસાન જ નથી, પરંતુ તે સમાજના નૈતિક મૂલ્યો, લોકશાહી અને વિકાસના માર્ગને પણ ખોખલા કરે છે. તે ગરીબી, અસમાનતા અને અને વિશ્ર્વાસના અભાવને જન્મ આપે છે.

ભ્રષ્ટાચાર વિકાસશીલ અને વિકસિત બંને દેશોમાં પ્રગતિ માટેનો સૌથી મોટો અવરોધ છે. તે આર્થિક વૃદ્ધિને ધીમી પાડે છે, વિદેશી રોકાણને નિરૂત્સાહિત કરે છે, અને ગરીબી તેમજ અસમાનતામાં વધારો કરે છે, જેનાથી ન્યાયી સમાજની રચનામાં અવરોધ આવે છે.

સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP) અને યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઈમ UNODC જેવા સંગઠનો આ દિવસને સફળ બનાવવા માટે ’nited Against Corruption’’ (ભ્રષ્ટાચાર વિરૂદ્ધ એકજૂટ) જેવા વૈશ્ર્વિક અભિયાનોનું નેતૃત્વ કરે છે.

ભારતે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ, લોકપાલ અને લોકાયુક્ત જેવી સંસ્થાઓ દ્વારા ભ્રષ્ટાચાર સામે લડવા માટે નોંધપાત્ર પગલાં લીધા છે. વળી, રાઇટ ટુ ઇન્ફોર્મેશન (RTI) એક્ટ નાગરિકોને સરકારી કામગીરીમાં પારદર્શિતા લાવવામાં મદદ કરે છે.

ટેકનોલોજી ભ્રષ્ટાચાર ઘટાડવામાં મહત્વનો ભાગ ભજવી રહી છે. ડિજીટલ ચુકવણી, ઓનલાઇન ટેન્ડરો અને ઈ-ગવર્નન્સે પારદર્શિતાને વધારી છે અને મધ્યસ્થીયતાને ઘટાડીને ન્યાયપૂર્ણ પ્રણાલી તરફ માર્ગદર્શન આપ્યું છે. છતાં પણ ભ્રષ્ટાચાર સામેની લડત ફક્ત કાયદા અને નીતિઓ પર આધારિત નથી. નાગરિકોના નૈતિક મૂલ્યો અને સામાજીક જવાબદારી વિના સફળતા શક્ય નથી.

ભવિષ્યના નેતાઓ, વ્યાવસાયિકો અને સરકારી અધિકારીઓ તરીકે યુવાનો આ લડાઈમાં સૌથી આગળ છે. શાળાઓ અને કોલેજોમાં નૈતિક શિક્ષણ અને અખંડિતતા (Integrity) ના પાઠ ભણાવવા એ લાંબા ગાળાનો ઉકેલ છે.

ભ્રષ્ટાચાર સામેની લડાઈ માત્ર કાયદાઓ પૂરતી સીમિત નથી, પરંતુ તે સામાજીક સ્તરે નૈતિકતા અને સચ્ચાઈની સંસ્કૃતિના નિર્માણ પર આધારિત છે. સાર્વજનિક જીવનમાં પારદર્શિતા, જવાબદારી અને નીતિના ત્રણ સિદ્ધાંતોને અપનાવવાથી ભ્રષ્ટાચાર પર અંકુશ મૂકી શકાય છે.

આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ માત્ર ઉજવણી નથી, પરંતુ એક સંકલ્પનો દિવસ છે ભ્રષ્ટાચારમુક્ત ભારત અને વિશ્ર્વના નવ નિર્માણ માટે આપણે સૌ સાથે મળીને ભ્રષ્ટાચારમુકત વિશ્ર્વ બનાવવામાં સહભાગી બનીએ.