
હાઇવે ઓથોરિટી, ટ્રાફિક પોલીસ અને જીલ્લા પ્રશાસન દ્વારા અકસ્માત સંભાવિત વિસ્તારોનું નિરીક્ષણ.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્યના હાઇવે તેમજ રોડ માર્ગો પર થતા અકસ્માતો ઘટાડવા અને માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માટે વિવિધ વિભાગોના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે. આ સૂચનાઓના અનુસંધાને ઝાલોદ તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઇવે તથા અન્ય મુખ્ય માર્ગો પર અકસ્માત નિવારણ હેતુથી સંયુક્ત વિઝિટ યોજવામાં આવી હતી.
આ વિઝિટ દરમિયાન નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા નિયુક્ત ક્ધસલ્ટન્ટ એન્જિનિયર લખનસિંહ બધેલ, દાહોદ જીલ્લા ટ્રાફિક અધિકારી એન.જી. શેખ, આર.ટી.ઓ ઇન્સ્પેક્ટર વાઘેલા, ઝાલોદ ડી.વાય.એસ.પી-ડી.આર. પટેલ, દાહોદ જીલ્લા એલ.સી.બી પી.એસ.આઈ આર.વી. રાઠોડ તેમજ ફતેપુરા પી.એસ.આઈ. જે.કે. રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.
વિઝિટ દરમિયાન ઝાલોદ તાલુકામાં આવેલા એવા માર્ગોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જ્યાં અગાઉ અકસ્માતો સર્જાયા છે અથવા ભવિષ્યમાં અકસ્માત સર્જાવાની સંભાવના છે. આ માર્ગો પર અકસ્માતો ન સર્જાય અથવા ટાળી શકાય તે માટે વિવિધ મુદ્દાઓની તકનિકી અને કાયદાકીય દૃષ્ટિએ વિગતવાર નોંધ લેવામાં આવી હતી.
વિશેષરૂપે માર્ગોમાં પડેલા ખાડા, માર્ગોની અસમતોલ સ્થિતિ, વળાંકવાળા વિસ્તારોમાં માર્ગદર્શક બોર્ડ અને સૂચક ચિહ્નોની અછત, હાઇવે પર થયેલા દબાણો, બ્લાઇન્ડ સ્પોટ્સ, માર્ગ કિનારે ઉગી નીકળેલ ઝાડી-ઝાંખરા, તેમજ વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવા જેવા મુદ્દાઓ પર ગંભીરતાથી ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
અધિકારીઓ દ્વારા આ પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો કે અકસ્માતો માનવીય ભૂલના કારણે થાય છે કે પછી રોડની તકનિકી ખામીઓને કારણે થાય છે. આ અભ્યાસના આધારે આગામી સમયમાં અકસ્માત દર ઘટાડવા માટે જરૂરી સુધારાત્મક પગલાં લેવામાં આવશે.
હાઇવે ઓથોરિટી દ્વારા અકસ્માત નિવારણ માટે લેવાય તેવા પગલાં :
હાઇવે ઓથોરિટી દ્વારા માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માટે નીચે મુજબની કામગીરી હાથ ધરવામાં આવશે
હાઇવે તથા મુખ્ય માર્ગો પર પડેલા ખાડાઓનું તાત્કાલિક સમારકામ
માર્ગોની સપાટીને સંતુલિત કરી વાહન ચાલકો માટે સુરક્ષિત બનાવવી વળાંકવાળા અને જોખમી વિસ્તારોમાં સ્પષ્ટ માર્ગદર્શક બોર્ડ, રિફ્લેક્ટર અને સૂચક ચિહ્નો સ્થાપિત કરવું બ્લાઇન્ડ સ્પોટ્સ દૂર કરવા માર્ગ કિનારાની ઝાડી-ઝાંખરા અને અવરોધો દૂર કરવું હાઇવે પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ વિકસાવવી અકસ્માત ઝોન તરીકે ઓળખાતા વિસ્તારોમાં સ્પીડ કંટ્રોલ ઉપાયો અને ચેતવણી બોર્ડ મૂકવા નિયમિત માર્ગ સલામતી ઓડિટ અને તકનિકી નિરીક્ષણ
નિષ્કર્ષ :
સરકાર, હાઇવે ઓથોરિટી અને પોલીસ વિભાગના સંયુક્ત પ્રયાસોથી ઝાલોદ તાલુકાના હાઇવે માર્ગોને વધુ સુરક્ષિત બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં જરૂરી સુધારાઓ પૂર્ણ થતાં અકસ્માતોની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે, જેથી માનવજીવનની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.